રશિયન આર્મીમાં સામેલ મોરબીના યુવકે યુક્રેન સેના સામે સરેન્ડર કર્યું

Wednesday 15th October 2025 05:04 EDT
 
 

મોરબીઃ રશિયા તરફથી લડી રહેલા મોરબીના 22 વર્ષીય વિદ્યાર્થી માજોઠી સાહિલ મોહમદ હુસૈને યુક્રેન સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે સાહિલ અભ્યાસ માટે રશિયા ગયો હતો, જ્યાં કાયદાના ઘર્ષણમાં આવ્યા બાદ તે સેનામાં જોડાયો હતો.
રશિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે યુક્રેનની 63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડે મંગળવારે એક વીડિયો બહાર પાડ્યો હતો. વીડિયોમાં કહેવાયું હતું કે માજોઠીને ડ્રગના ગુના માટે રશિયામાં 7 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી, જ્યાં તેને જેલની સજા ટાળવા રશિયન સેનામાં જોડાવાની ઓફર મળી હતી. મજોઠીએ વીડિયોમાં કહ્યું કે, તે જેલમાં જવા માગતો ન હોવાથી રશિયન સેના સાથે કરાર કર્યો. તેને ફક્ત 16 દિવસની તાલીમ મળી અને 1 ઓક્ટોબરે તેને પહેલીવાર યુદ્ધમાં મોકલાયો હતો. જો કે ત્રણ દિવસ બાદ જ તેના કમાન્ડર સાથેની લડાઈ પછી તેણે યુક્રેનિયન સેના સામે સરેન્ડર કર્યું. વિદ્યાર્થીએ માજોઠીએ રશિયન ભાષામાં કહ્યું, ‘મેં મારાં હથિયારો મૂકી દીધાં છે, મારે લડવું નથી, મને મદદની જરૂર છે.’
રશિયા પરત ફરવા નથી માગતો
વીડિયોમાં માજોઠીએ કહ્યું કે, તે રશિયા પાછો ફરવા માગતો નથી. તેણે એમ પણ કહ્યું કે, તેને સેનામાં જોડાવા માટે પૈસાનું વચન અપાયું હતું, પરંતુ તેને કંઈ મળ્યું નહીં. યુક્રેને રશિયા માટે લડતા અસંખ્ય વિદેશી સૈનિકોને બંદી બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાએ ભારત જેવા દેશોના લોકોને નોકરી કે શિક્ષણનાં વચન આપીને સેનામાં ભરતી કર્યા હતા. કિવમાં ભારતીય દૂતાવાસ આ મામલાની તપાસ કરી રહ્યું છે. યુક્રેન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
અઢી વર્ષ પહેલાં અભ્યાસઅર્થે ગયો હતો
યુક્રેન સેના દ્વારા પકડવામાં આવેલા સાહિલને પરત લાવવા માટે તેમનાં માતા-મામાએ સરકારની મદદ માગી છે. તેમના કૌટુંબિક મામા અબ્દુલભાઈ માજોઠીએ સાહિલના સુરક્ષિત પરત ફરવાની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે તેમના મામા અબ્દુલભાઈએ જણાવ્યું કે, મોરબીની શાળાથી ધો-12 સાયન્સનો તેણે અભ્યાસ કર્યો છે. તેને વધુ અભ્યાસ કરવાની ઇચ્છા હોવાથી અઢી વર્ષ પહેલાં તે રશિયા અભ્યાસઅર્થે ગયો હતો. રશિયામાં ડ્રગ્સના કેસમાં પકડાયા બાદ સાહિલ માજોઠીને જેલ જવા અથવા યુદ્ધ માટે સેનામાં જવાનો વિકલ્પ અપાયો હતો. જો કે યુક્રેન સામે યુદ્ધ લડવા ગયો હતો અને ત્યાં તેણે આત્મસમર્પણ કર્યું હતું.
માતાનાં પુત્રને બચાવવા હવાતિયાં
મોરબીમાં રહેતાં સાહિલનાં માતા હસીનાબહેન માજોઠી પુત્રના બચાવવા ગાંધીનગરથી દિલ્હી સુધીના ધક્કા ખાઈ રહ્યાં છે. સાહિલ ઓન રેકોર્ડ રશિયા અભ્યાસ માટે ગયો હતો અને પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે તેણે રશિયન સેના વતી હાથમાં બંદૂક ઉપાડી અને યુદ્ધના મોરચે પહોંચી ગયો. જો કે થોડા જ દિવસોમાં યુક્રેનની સેનાએ તેની ધરપકડ કરી લીધી.
સાહિલને અપાયું હતું પ્રલોભન
સાહિલનાં માતાએ કહ્યું કે, સાહિલ મહિનામાં બે વખત મને પત્ર લખતો હતો, પરંતુ ત્રણ મહિનાથી તે બંધ થયા છે. સાહિલના જણાવ્યા પ્રમાણે તેને રશિયન છોકરી સાથે લગ્ન કરવા, કાયમી નાગરિકત્વ આપવા, સરકારી નોકરી અને જેલની સજા અડધી કરી નાખવાનું પ્રલોભન અપાયું હતું.


comments powered by Disqus