ગાંધીનગરઃ ગુજરાતમાં સો ટકાથી વધુ વરસાદની મેઘમહેર થઇ છે અને નર્મદા ડેમ સહિત અનેક જળાશયો છલોછલ છે. અનેક તાલુકામાં 180 ટકાથી લઇ 200 ટકાથી વધુ વરસાદ થયો છે તેની વચ્ચે કેટલાક તાલુકા એવા પણ છે જ્યાં સો ટકા નહીં પરંતુ તેનાથી પણ ઓછો વરસાદ થયો છે. આજુબાજુના તાલુકામાં ભરપૂર વરસાદ હોય તેની વચ્ચે 81 તાલુકા સો ટકા વરસાદ થવાથી વંચિત રહી ગયા છે. તો રાજ્યના પાંચ જિલ્લાના તમામ તાલુકામાં સો ટકા કે તેથી વધુ વરસાદ થયો છે.
ચોમાસાની ઋતુએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી છે છતાં વાદળછાયું વાતાવરણ રહે છે અને કોઇ સ્થળે વરસાદી ફોરા પડી જાય છે. છેલ્લા ચાર વર્ષમાં આ ત્રીજુ વર્ષ છે જેમાં 110 ટકાથી વધુ વરસાદ થયો છે. સાબરકાંઠા, મહીસાગર, આણંદ, મોરબી અને વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સો ટકા વરસાદ થયો છે. જો કે ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ, બનાસકાંઠા એવા જિલ્લા છે જ્યાં એક તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં સો ટકા કે તેથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતને દર ચોમાસામાં રૂ. 1151 કરોડનું નુકસાન
અમદાવાદઃ સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના ‘રિપોર્ટ ઓન ફ્લડ ડેમેડ સ્ટેટેસ્ટિક્સ' મુજબ છેલ્લાં 5 વર્ષથી ગુજરાતને ચોમાસામાં વર્ષે સરેરાશ રૂ. 1151 કરોડનું નુકસાન થાય છે, જ્યારે 175 લોકો મૃત્યુ પામે છે. આ નુકસાનમાં ખેડૂતોના પાક અને ઘરો-જાહેર મિલકતોને નુકસાન પણ સામેલ છે. 5 વર્ષમાં 47 લાખથી વધુ ગુજરાતીઓ પૂર કે અતિભારે વરસાદને લીધે અસરગ્રસ્ત થયા હતા.

