રિઝર્વ બેન્કે ક્લેઇમ ન કરાયેલી થાપણો સ્વજનોને પહોંચાડવા ગેટ-વે લોન્ચ કર્યો

Wednesday 15th October 2025 05:04 EDT
 
 

અમદાવાદઃ રિઝર્વ બેન્ક, સેબી અને ઇરડાઈ-ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે મળીને બેન્કમાં, શેર્સમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટના તથા વીમા પોલિસીના ક્લેઇમ કર્યા વિના પડી રહેલાં નાણાં મૃત વ્યક્તિનાં સ્વજનો કે તેમને પાછા મળે તે માટે આનલાઇન પ્લેટફોર્મ ગેટ-વે લોન્ચ કર્યું છે. તેમણે અનક્લેઇમ્ડ ડિપોઝિટ્સ ગેટવે લોન્ચ કર્યો છે. આ પોર્ટલ પર જઈને કોઈ વ્યક્તિનું નામ, જન્મ તારીખ અને બેન્કનું નામ દાખલ કરીને તપાસી શકાશે. મૃતક વ્યક્તિના નામે કોઈ ક્લેઇમ કર્યા વિનાની રકમ પડી છે કે નહીં તેની ચકાસણી પણ ઉપરોક્ત પોર્ટલ પર જઈને કરી શકાશે. ત્યારબાદ આ રકમનો ક્લેઇમ મૂકી શકાશે.
ભારત સરકારના આંકડા મુજબ 2023માં કરેલી ગણતરી મુજબ ભારતીય બેન્કોમાં ક્લેઇમ કર્યા વિનાના રૂ. 42 હજાર કરોડ પડ્યા છે. આ નાણાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે મૂકેલા કે પછી કરન્ટ એકાઉન્ટમાં રહી ગયેલાં નાણાં છે. સેવિંગ્સ એકાઉન્ટ કે પછી કરન્ટ એકાઉન્ટમાં આ નાણાં પડી રહેલાં જોવા મળ્યાં છે. રોકાણ કરીને પરિવારને જાણ ન કરનારાઓના પણ અબજો રૂપિયા પડ્યા છે. ભારતીય બેન્કોમાં, વીમા કંપનીઓની પોલિસીના, શેર બજારની કંપનીઓમાં રોકેલાં નાણાં ક્લેઇમ કર્યા વિના પડ્યા રહ્યા છે. પરિવારજનો ઘરના મોભીની વિદાય બાદ આર્થિક ભીંસમાં જીવતા હોવા છતાં તેમના હકનાં નાણાં પરિવારના મોભીની ભૂલને કારણે તેમના સુધી પહોંચતાં જ નથી.
તમે ક્લેઇમ કરતા પહેલાં પોર્ટલ પર ચકાસણી કરી શકો
 લોન્ચ કરાયેેલા પોર્ટલ https://udaap.rbi.org.in પર જઈને ગ્રાહકનું પૂરું નામ અથવા આંશિક નામ, જન્મ તારીખ, ખબર હોય તો પાન નંબર, બેન્ક નામ, કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. તમે સ્વજનનાં નાણાંની શોધ કરો તેના પરિણામરૂપે જો કોઈ ખાતું હશે તો તે સંબંધિત બેન્ક નામ અને શાખાની વિગતો ઉપર આવી જશે. આ વિગતોની પ્રિન્ટ કાઢીને કે સ્ક્રિન શોટ લઈને બેન્કનો સીધો સંપર્ક કરી શકો છો અને દાવો કરવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.
પેન્ડિંગ રકમ પર દાવો કરવા કયા દસ્તાવેજો આપવા પડશે
મૃત સ્વજનના બેન્ક ખાતામાં પડી રહેલી રકમનો દાવો કરવા માટે ખાતેદારનાં સ્વજનોએ પાન કાર્ડ, આધારકાર્ડ કે પાસપોર્ટ રજૂ કરવો પડશે. તદ્ઉપરાંત પાસબુક, ફિક્સ્ડ ડિપોઝિટની રિસિપ્ટ તથા ખાતાનો ઉતારો આપવો પડશે. આ સાથે જ સરનામાનો પુરાવો પણ રજૂ કરવો પડશે. જો મૃત વ્યક્તિના નોમિની અથવા વારસ હોય તો તેવા સંજોગોમાં મૃત વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર, કાનૂની વારસ હોવાનો પુરાવો, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો આપવાનો રહેશે.


comments powered by Disqus