સુરતઃ લોકો સાથે રૂ. 100 કરોડથી વધુની છેતરપિંડી કરવા સાથે સંકળાયેલા સાઇબર ક્રાઇમ અપરાધોની મની લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુજરાતથી 4 શખ્સોની ધરપકડ કરી છે.
ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ફેડરલ તપાસ એજન્સીની સુરત સબ ઝોનલ ઓફિસે મકબુલ અબ્દુલ રહેમાન, કાસિફ મકબુલ, મહેશ મફતલાલ દેસાઈ અને ઓમ રાજેન્દ્ર પંડ્યાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) જોગવાઇઓ હેઠળ કસ્ટડીમાં રાખ્યા છે.
ઇડી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે, અબ્દુલ રહેમાન અને તેના પુત્રો કાસિફ અને બાસસમ, મહેશ દેસાઈ અને રાજેન્દ્ર પંડ્યા ઇડી અને સુપ્રીમ કોર્ટના નામે નિર્દોષ લોકોને નકલી નોટિસ મોકલીને ધમકી આપતા હતા. તેઓ ડિજિટલ એરેસ્ટ અને ફોરેક્સ ટ્રેડિંગ જેવા સાઇબર અપરાધોમાં પણ સંડોવાયેલા હતા.
અપરાધીઓએ પોતાના કર્મચારીઓ, એસોસિએટ્સ અને નાણા ચૂકવીને અન્ય કેટલાક લોકોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યાં હતાં, જેના મારફતે તેઓ યુપીઆઇથી પીડિતોને ઠગતા હતા.

