વડોદરાઃ આજવારોડ સ્થિત કમલાનગર તળાવ સફાઈ માટે 60 શહેરીજનોએ 25 દિવસ શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે 5 ટ્રેક્ટર ભરીને 2 વર્ષ જૂનું પ્લાસ્ટિક ખોદી કાઢી તળાવ સ્વચ્છ કર્યું છે.
મેરી આસ્થા-મેરા દેશ સંસ્થા દ્વારા કમલાનગર તળાવને મોડલ તળાવ બનાવાશે. સંસ્થા શહેરનાં અન્ય તળાવોને પણ પાલિકા સાથે મળીને સાફ કરશે. મેરી આસ્થા-મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખ સુનીલ પરમારે જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ હતો, ત્યારથી 25 દિવસ સુધી સંસ્થા દ્વારા કમલાનગર તળાવમાં રોજેરોજ 60થી વધુ લોકોએ સફાઈ કરી છે.
દર રવિવારે સંસ્થાના સભ્યો કોર્પોરેશન સાથે મળીને તળાવની સાફ-સફાઈ કરે છે. જ્યારે છેલ્લા 25 દિવસમાં કમલાનગર તળાવમાંથી 5 ટ્રેક્ટર ભરાય તેટલો પ્લાસ્ટિક સહિતનો કચરો કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મેરી આસ્થા-મેરા દેશ ટ્રસ્ટ દ્વારા કમલાનગર તળાવને દોઢ વર્ષ પહેલાં પણ સાફ કરવામાં આવ્યું હતું.
ફ્લોટિંગ વિસર્જન પોઈન્ટ બનાવાશે
સુનીલ પરમારે કમલાનગર તળાવનું મોડલ લોકોને બતાવ્યું હતું. આ મોડલમાં એક ફ્લોટિંગ વિસર્જન પોઈન્ટ પણ બતાવ્યો હતો. જ્યારે પાણી ઓછું હશે ત્યારે આ ફ્લોટિંગ વિસર્જન પોઈન્ટ નીચે બેસી જશે અને પાણી ભરાશે ત્યારે આ પ્લેટફોર્મ તરીને ઉપર આવી જશે. આ તરતા વિસર્જન પ્લેટફોર્મ સુધી પહોંચવા ગેટ બનાવાશે. આ વિસર્જન પોઈન્ટ પાસે 3 કુંડ પણ બનાવાશે. જેમાં એકમાં પોલિથિન નાખવાની રહેશે. બીજામાં આર્ટિફિશિયલ માળા, ચૂંદડી મુકાશે, જ્યારે ફૂલ તરતા પ્લેટફોર્મ પર વિસર્જન કરી શકાશે.

