મુંબઈઃ બોરીવલી-વેસ્ટમાં જાંબલી ગલી પાસે સ્કાયનેટ સિક્યોર સોલ્યુશન્સ કંપની ચલાવતા સાઇબર સુરક્ષા નિષ્ણાત અને સ્વતંત્ર સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર તેમજ પ્રમાણિત એથિકલ હેકર તરીકે કામ કરતા 45 વર્ષના આશાસ્પદ કચ્છી યુવાન સચિન દેઢિયાનું પુણેથી 32 કિ.મી. દૂર શુક્રવારે સવારે કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગઠન અને કચ્છી વિશા ઓસવાળ સમાજ (કવિઓ)માં ગમગીની વ્યાપી ગઈ છે. એક તેજસ્વી તારલો અને દરેક માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ એવા સચિન દેઢિયાની સાથે 35 વર્ષના કારચાલકનું પણ અકસ્માતમાં મોત થયું છે.
સચિન દેઢિયાએ નાની વયે જ અનેક સિદ્ધિ અને સફળતા મેળવી હતી, જેમાં સ્કાયનેટ સિક્યોર સોલ્યુશન્સ મુંબઈ મુખ્ય મથક ધરાવતી કંપનીની સ્થાપના કરી, જે સાઇબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક્સમાં નિષ્ણાત છે. તેમની કંપનીને તાજેતરમાં ભારતની ટોચની 25 સાઇબર સુરક્ષા સલાહકાર કંપનીઓમાં સ્થાન મળ્યું હતું. મુંબઈના રાજભવન ખાતે સેમિનાર આપવાનો અનમોલ અવસર તેમને મળ્યો હતો.

