ગાંધીનગરઃ ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને રાજીનામું આપવા પડકાર આપનારા આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે તેવી જાહેરાત કરવાની પક્ષને ફરજ પડી છે. કાંતિ અમૃતિયાએ કહ્યું હતું, હું અને ઇટાલિયા બંને સોમવારે વિધાનસભામાં જઈ રાજીનામું આપી ફરીથી ચૂંટણી લડીએ. જો કે વિસાવદરમાં ઇટાલિયા તાજેતરમાં જ ચૂંટાયા છે, ત્યારે તેમના રાજીનામાની વાતથી સ્થાનિક વિરોધ શરૂ થતાં આ સ્પષ્ટતા કરાઈ છે.
આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, ભાજપ અફવા ફેલાવે છે, પરંતુ વિસાવદરની જનતાએ ઇટાલિયાને જીતાડ્યા છે ત્યારે તેઓ રાજીનામું આપશે નહીં. રાજ્યમાં અનેક સમસ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ભાજપ તેનાથી ધ્યાન ભટકાવવા આવા પડકાર આપે છે. ભાજપ તેના તમામ ધારાસભ્યોને રાજીનામું અપાવે તો અમે ચૂંટણી લડવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, મોરબીના કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી કે ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો હું તેમને રૂ. 2 કરોડ આપીશ. ઇટાલિયાએ આ પડકાર સ્વીકારી અમૃતિયા રાજીનામું આપે તેવી માગ કરી હતી. અમૃતિયાએ એમ પણ કહ્યું હતું કે, વિસાવદરની એક બેઠક જીત્યા તેમાં આપના કાર્યકરો આટલો ઉપાડો લઈ રહ્યા છે. જો સોમવારે ઇટાલિયા વિધાનસભા નહીં આવે તો તેઓ રાજીનામું આપશે નહીં.

