આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને યુએસથી ભારત પરત લવાઈ

Wednesday 16th July 2025 07:01 EDT
 
 

નવી દિલ્હી: કર્ણાટકમાં જેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ બહાર પડાઈ છે તેવી 25 વર્ષથી ફરાર આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને યુએસથી પરત લાવવામાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન-સીબીઆઇને સફળતા મળી છે. મોનિકા કપૂરને સીબીઆઇ દ્વારા ગુરુવારે દિલ્હીની અદાલતમાં રજૂ કરાશે.
અમેરિકન સત્તાવાળાઓ સાથે સહકાર સાધી સીબીઆઇએ આ બીજી મોટી સફળતા મેળવી છે. અગાઉ સીબીઆઇએ નેહલ મોદીની યુએસમાં ધરપકડ કરી હતી. મોનિકા ઓવરસીઝની માલિક મોનિકા કપૂર તથા તેના ભાઇઓ રાજન ખન્ના અને રાજીવ ખન્નાએ નિકાસના બનાવટી દસ્તાવેજો દ્વારા 1998માં કૌભાંડ કર્યું હોવાનું સીબીઆઇએ જણાવ્યું હતું. દાગીના ઘડવા અને તેની નિકાસ કરવા આયાત ડ્યૂટી મુક્ત સામગ્રી લાવવા 6 લાઇસન્સ મેળવવા મોનિકા અને તેના બંને ભાઇઓએ બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમણે આ દસ્તાવેજો અમદાવાદની દીપ એક્સપોર્ટને પ્રીમિયમ લઈ વેચી માર્યા હતા. દીપ એક્સપોર્ટ દ્વારા આ લાઇસન્સ દ્વારા સોનાની ડ્યૂટી ફ્રી આયાત કરાઈ હતી, જેના કારણે સરકારી તિજોરીને રૂ. 1.44 કરોડનો ફટકો પડ્યો હતો.
મોનિકા કપૂર તથા તેના બંને ભાઇઓ સામે 31 માર્ચ 2004માં આરોપનામું ઘડવામાં આવ્યું હતું જેમાં ગુનાઇત કાવતરું ઘડવા, છેતરપિંડી અને બનાવટ કરવાના આરોપો મૂકવામાં આવ્યા હતા.


comments powered by Disqus