કંડલાઃ કચ્છ જિલ્લામાં સોમવારે થયેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન કચ્છના કંડલા ખાતે આવેલા દીનદયાળ બંદર પાસેથી 10 ખારાઈ ઊંટ દરિયામાં તણાયાં હતાં. જો કે આશ્ચર્યજનક રીતે આ તમામ ઊંટ દરિયામાં તરતાં તરતાં દ્વારકા બંદરે પહોંચી ગયાં હતાં.
જામનગરના ખંભાળિયા તાલુકાના સીંગચ ગામના એક માલધારી પોતાના ખારાઈ ઊંટોને ચેરિયા વનસ્પતિ ચરાવવા કંડલા પાસેના દરિયાકાંઠા પાસે લાવ્યા હતા, જ્યાં ભારે વરસાદના કારણે દીનદયાળ પોર્ટ નજીકથી આશરે 10 જેટલાં ઊંટ દરિયામાં તણાઈ ગયાં હતાં. આ ઊંટ આશરે 92 કિલોમીટર તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યાં હતાં. વાડીનાર પોલીસે તાત્કાલિક ઊંટોનું રેસ્ક્યૂ કરીને સલામત બહાર કાઢ્યાં હતાં. હવે આ ઊંટોને તેમના માલિકને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્ત્વની વાત એ છે કે આટલું લાંબું અંતર કાપ્યા બાદ પણ તમામ ઊંટ સંપૂર્ણપણે સલામત છે. ખારાઈ ઊંટ એ એશિયામાં એકમાત્ર એવી ઊંટની પ્રજાતિ છે, જે પાણીમાં તરી શકે છે. આ ઊંટો તેમનો ચારો ચરવા માટે દરિયામાં જાય છે અને ખાસ કરીને ચેરનાં વૃક્ષોનો ચારો ખાય છે. કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલિયારા અને સૂરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં આ ઊંટની પ્રજાતિ જોવા મળે છે. ભારત સરકારે 2016માં આ પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા આપી છે.
ભચાઉના જંગી ગામના માલધારી સંગઠનના સંયોજક ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ખારાઈ ઊંટ દરિયાઈ ખાડી વિસ્તારમાં અને છીછરા પાણીમાં તરી શકે છે, છતાં કચ્છથી દ્વારકા સુધીના દરિયામાં તરીને સલામત પહોંચવાની ઘટના અસામાન્ય કહી શકાય. ખારાઈ ઊંટ એશિયામાં ફક્ત કચ્છ અને ખંભાતના અખાતમાં જ જોવા મળે છે. દરિયામાં તરવાની આ કુદરતી ક્ષમતા ખારાઈ ઊંટને અન્ય ઊંટ કરતાં અલગ પાડે છે. દરિયાઈ ખાડીમાં થતી ચેર વનસ્પતિ અને ખારી જમીનમાં થતા લાણો, ખારીજાર, પીલુડી જેવી વનસ્પતિ પણ ખારાઈ ઊંટનું ચરિયાણ છે. મુખ્યત્વે ક્ષારવાળી વનસ્પતિ જ તેમનો આહાર હોવાથી તેમને “ખારાઈ” તરીકે ઓળખવામાં આવે છે.