પાલનપુરઃ પાછલાં કેટલાંક વર્ષોથી પાલનપુર તાલુકાના કાણોદર ગામના ખેડૂતો ખેતી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીંની જમીનમાં 700 ફૂટ નીચે જતાં પણ પાણી નથી. અહીં વારંવાર બોર ફેલ થતાં 60થી 70 ચિંતાગ્રસ્ત ગ્રામજનોએ જળસંચય કરતાં ગામોનો અભ્યાસ કર્યો અને વરસાદનું પાણી જમીનમાં ઉતારવાનું નક્કી કર્યું. જો કે આ માટે સૌથી મોટો પડકાર પ્રોજેક્ટ પાછળના ખર્ચનો હતો.
ગ્રામજનો દ્વારા જેમજેમ દાન આવતું ગયું તેમતેમ ગામમાં મોડલ કૂવા બનાવવાનું કામ આગળ વધારતા ગયા. ઉપસરપંચ અબ્બાસભાઈએ જણાવ્યું કે, ‘ગ્રામજનોએ સૌથી પહેલાં સૌથી વધુ વરસાદી પાણી ભરાતું હતું તેવાં ખાલી કૂવાનાં 5 સ્થળ પસંદ કર્યાં, જ્યાં ગ્રામજનોએ શ્રમદાન કરીને જાતે ડિઝાઇન કરીને વૈજ્ઞાનિક ઢબે કૂવાનું નિર્માણ કર્યું. આ ઉપરાંત 500 ફૂટ ઊંડી 2 બોરવેલ બનાવી જમીનમાં વરસાદી પાણી પણ ઉતારી દીધું. અમે અત્યાર સુધી એકપણ રૂપિયાનો સરકારનો સહકાર લીધો નથી, પરંતુ અમે અમારો પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સરકારના કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત દર્શાવીશું.