અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું બેઠું તેના માત્ર 29 દિવસમાં સિઝનનો 50 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સિઝનના 34.72 ઇંચ વરસાદના અંદાજ સામે 17.34 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. રાજ્યના સૌથી મોટા સરદાર સરોવરમાં પણ 50.99 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. ચાલુ સિઝનમાં રાજ્યની 85.57 લાખ હેક્ટર જમીન પૈકી 50.27 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે.
કચ્છમાં સૌથી વધુ વરસાદ
કચ્છમાં 58.44 ટકા, દક્ષિણ ગુજરાતમાં 53.63 ટકા, સૌરાષ્ટ્રમાં 49.19 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 48.03 ટકા અને ઉત્તર ગુજરાતમાં 45.92 ટકા સિઝનનો વરસાદ થઈ ચૂક્યો છે. જુલાઈમાં વરસાદનું જોર ઘટતાં 14 દિવસની સ્થિતિએ અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, દાહોદ, અમરેલી અને ગીરસોમનાથમાં 27 ટકાથી લઈ 44 ટકા વરસાદની ઘટ વર્તાઇ રહી છે.
કચ્છ-ડાંગ-નવસારીમાં જળતાંડવ
ધોધમાર વરસાદથી માંડવીનો વિજયાસાગર, પદમપુરનો વેગડી ડેમ અને અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયા છે. લખિયાર વીરા કોઝવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભુજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખારેકનાં ખેતરોમાં નદી જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. કોષમાળ ગામે ભેગુ ધોધમાં એકાએક પાણીનો પ્રવાહ વધતાં ધોધ નીચે ગયેલા પ્રવાસીઓમાં અફરાતફરી સર્જાઈ હતી. જેમને માંડમાંડ રેસ્ક્યૂ કરાયા હતા. ભારે વરસાદના કારણે નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર 26 ફૂટે પહોંચતાં 550થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
100 તાલુકા જળબંબોળ
રાજ્યમાં સિઝનના 34.72 ઇંચ વરસાદના અંદાજ સામે 17.34 ઇંચ સાથે સિઝનનો 50 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. 251 પૈકી 100 તાલુકામાં સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. ભાવનગરના ઉમરાળામાં સિઝનનો 113.68 ટકા, સિહોરમાં 110.23 ટકા અને સાબરકાંઠાના વડાલીમાં 108.12 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. બોટાદ જિલ્લામાં 25.20 ઇંચની સરેરાશ સામે 20.25 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ 80.39 ઇંચ વરસાદ થયો છે.
207 જળાશયોમાં 55.64 ટકા જળસંગ્રહ
સરદાર સરોવરમાં 50.99 ટકા સહિત રાજ્યનાં 207 જળાશયોમાં 55.64 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. 124 જળાશયોમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ચૂક્યો છે, તેમજ 25 જળાશયો છલકાઈ ગયાં છે. સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં કુલ 63.22 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 63.05 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 57.98 ટકા, કચ્છનાં 20 જળાશયોમાં 55.91 ટકા અને ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 48.78 ટકા જળસંગ્રહ થયો છે.

