દ્વારકાઃ મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમ તથા ગુજરાત ટૂરિઝમ વિભાગના આગામી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના મુખ્ય એવા દ્વારકા કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ ટૂંક સમયમાં થઈ શકે છે, ત્યારે મહદ્અંશે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચને સાંકળતા કોરિડોર પ્રોજેક્ટનો ઓગસ્ટ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શિલાન્યાસ થવાની સંભાવના જોવાઈ રહી છે.
ટૂરિઝમ મિનિસ્ટ્રી તથા રાજ્યના ટૂરિઝમ વિભાગ દ્વારા અમદાવાદની ખાનગી કંપનીને દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ અંગેની થ્રી-ડી ડિઝાઇન તથા વ્યાપક રૂપરેખાની જવાબદારી સોંપાઈ હતી. તેમના દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન તથા હૃદય યોજના અંતર્ગત પ્રોજેક્ટ રિપોર્ટમાં ફર્સ્ટ ફેઝમાં દ્વારકાધીશ જગતમંદિર આસપાસના 100 મીટરના વિસ્તારનો વિકાસ થશે. જે ટેમ્પલ સ્ક્વેર તરીકે ઓળખાશે, જેમાં મંદિર પરિસર સાથેસાથે ભવ્ય કોરિડોર પણ સમાવિષ્ટ થશે.