અમદાવાદઃ નકલી શેંગેન વિઝાની મદદથી દુબઈ થઈને લક્ઝમબર્ગ જઈ રહેલા ગુજરાતના 7 પ્રવાસીને દુબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન દ્વારા અટકાયત બાદ ડિપોર્ટ કરી દેવાયા હતા. મુંબઈ આવી પહોંચેલા આ પ્રવાસીઓની મુંબઈ એરપોર્ટથી જ ધરપકડ કરાઈ હતી. ટૂરિસ્ટ તરીકે લક્ઝમબર્ગમાં પ્રવેશ્યા બાદમાં રોજગારી મેળવવાના ઈરાદે તેઓ નીકળ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતના કિશન નામના એજન્ટે આ સમગ્ર કારસો ઘડ્યો હતો. આ લોકોને ટૂરિસ્ટ વિઝા અને નકલી શેંગેન વિઝા બનાવી આપ્યા હતા, તેમજ એજન્ટે તેમને યુરોપિયન દેશોમાં મુસાફરી કરવા અને સ્થાયી થવા વિગતો પૂરી પાડી હતી. પોલીસ હવે આ લોકોને નકલી વિઝા બનાવી આપનારા એજન્ટ કિશનને શોધી રહી છે.
શુક્રવારે રાત્રે ઈમિગ્રેશન અધિકારી વિષ્ણુ સાવંત મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓના એરાઈવલનું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે દુબઈ ઈમિગ્રેશન દ્વારા વિઝા ફલેગ કર્યા વિના 7 વ્યક્તિને દુબઈથી ડિપોર્ટ કરાયા છે. આ પ્રવાસીઓને તરત જ અટકમાં લેવાયા હતા. આ લોકોની વધુ પૂછપરછ અને તપાસમાં ઈમિગ્રેશન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે તેમના લકઝમબર્ગ માટેના શેંગેન એમ્પ્લોયમેન્ટ વિઝા નકલી હતા. એજન્ટે તેમને એમ કહીને ભરમાવ્યા હતા કે આ વિઝાના આધારે તેઓ લક્ઝમબર્ગમાં પ્રવેશી ગયા બાદ આ શેંગેન વિઝા માન્ય હોય તેવા 29 દેશ પૈકી કોઈપણ દેશમાં અવર-જવર કરી શકશે અને ત્યાં નોકરી - રોજગાર શોધી શકશે.
પોલીસે એરલાઈન્સ લાયસન્સિંગ એજન્સીને ઈ-મેલ કર્યા પછી પુષ્ટિ થઈ હતી કે આ સાતેય વ્યક્તિઓને લકઝમબર્ગ સત્તાવાળાઓ દ્વારા વિઝા આપવામાં આવ્યા નથી.

