વડોદરાઃ પાદરા તાલુકામાં મુજપુર અને આણંદ જિલ્લામાં આંકલાવ તાલુકાના ગંભીરાને જોડતા મહિ નદી પરના બ્રિજના ત્રીજાથી ચોથા પિલ્લર વચ્ચેનો સ્પામ અચાનક તૂટી પડતાં નદીમાં પડેલાં વાહનોમાં સવાર 21 લોકોનાં મોત થયાં છે. મહિ નદી પરના બ્રિજની દુર્ઘટના બાદ આખો દિવસ બચાવ કામગીરી ચાલી હતી અને રાત્રે પણ ફ્લડ લાઇટના અજવાળે નદીમાંથી વાહનો બહાર ખેંચવા તેમજ ડૂબેલી વ્યક્તિઓની શોધખોળ માટે કામગીરી હાથ ધરાઈ હતી. મહિ નદીમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીએ બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ હતી. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિનો હજી કોઈ પત્તો મળ્યો નથી.
પેડસ્ટલ-આર્ટિક્યુલેશન ક્રશ થતાં દુર્ઘટના
45 વર્ષ જૂના મુજપુર-ગંભીરા બ્રિજના હોનારતના ત્રીજા દિવસે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સનદી અધિકારીઓ સાથે બ્રિજ નીચે ઉતરી પગપાળા નદીકિનારે પહોંચી ઘટના અને રેસ્ક્યૂ ઓપરેશનની વિગતો મેળવી હતી. રાજ્યની તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પેડસ્ટલ અને આર્ટિક્યુલેશન ક્રશને કારણે સ્ટ્રક્ચરલ ક્ષમતા ઘટી અને આખો બ્રિજ તૂટી પડ્યો હતો. હવે વિગતવાર ટેકનિકલ અહેવાલ રાજ્ય સરકારને 30 દિવસની અંદર મળશે. વિગતવાર રિપોર્ટમાં તમામ ટેકનિકલ, વહીવટી અને સંરક્ષણ સંબંધિત મુદ્દાનો સમાવેશ કરવામાં આવશે, જેને મુખ્યમંત્રીને સોંપાશે અને આગળની કાર્યવાહી નક્કી થશે. સરકાર આ મામલે ગંભીર છે. જેથી બેદરકારી બહાર આવતાં માર્ગ અને મકાન વિભાગના 4 અધિકારીને ફરજથી મોકૂફ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં 9 વર્ષમાં 21 પુલ તૂટ્યાઃ વિપક્ષના પ્રહાર
દુર્ઘટના અંગે વિપક્ષે સત્તા પર આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના સીટિંગ જજના વડપણમાં તપાસની માગ કરી છે. આ અંગે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં છેલ્લાં 9 વર્ષમાં 21 જેટલા પુલ તૂટ્યા કે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. ગુજરાતમાં ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નીતિના પાપે વારંવાર આવી ઘટના બની રહી છે.
ગુજરાતમાં અનેક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા છે. ગંભીર અને દુઃખદ ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી હાલતું નથી. ગોઝારી દુર્ઘટના બાદ સરકારનું એક જ રટણ હોય છે કે, તપાસ થશે. આ પ્રકારના જવાબો એ સરકારની આંખ મિંચામણા નીતિ છે. સમારકામની વારંવારની માગ છતાં કોઈ પગલાં ભરાયાં નથી.
પરિવારે પૂતળું બનાવી મહી કાંઠે અગ્નિદાહ આપ્યો
પાદરાના મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાના છઠ્ઠા દિવસે પણ નરસિંહપુરા ગામના ગુમ યુવાન વિક્રમ રમેશ પઢિયારનો કોઈ પત્તો મળ્યો નહોતો. અંદાજિત 20 કિલોમીટરના વિસ્તારમાં વિક્રમના મૃતદેહને શોધવા ગ્રામજનો કામે લાગ્યા હતા. જો કે તેનો મૃતદેહ ન મળતાં પરિવારમાં નિરાશા સાથે રોષ ભભૂકી ઊઠ્યો હતો. પરિણામે નાના છોકરા જેટલું પૂતળાને નાની ઝોળીમાં લઈ આવી અગ્નિદાહ આપી અંતિમસંસ્કાર કરાયા હતા.
દુર્ઘટનાના પાંચમા દિવસે બ્રિજ બનાવવા ટેન્ડર મંજૂર
ગંભીરા બ્રિજ દુર્ઘટનાનાના પાંચમા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર પાસે નવો ટુ-લેન હાઇલેવલ બ્રિજ બનાવવા રૂ. 212 કરોડના ટેન્ડરને મંજૂર કરી બ્રિજ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને વહીવટી મંજૂરી આપી છે. આ પુલ પાદરા અને આંકલાવને જોડશે. ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર બનનારા આ નવા પુલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સરવે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાયો હતો.
ગંભીરા પુલ તુટી જતાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિક રોજગારી અને છાત્રોને આવાગમનના પ્રશ્નોને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ આ પુલ બનાવવા મંજૂરી આપી છે.
બાઈકને બ્રેક મારતાં બચાવ થયો: સંજય ચાવડા
નવાપુરાના 25 વર્ષના સંજયભાઈ ચાવડાએ જણાવ્યું કે, હું બાઈક લઈને કંપની પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક બ્રેક મારવી પડી. મારી સામે જ પુલ તૂટ્યો અને 5થી 6 વાહનો નીચે નદીના પાણીમાં પડી ગયા. અમે બાઇક પરથી કૂદી બચી ગયા, અમારું બાઇક ધાર પર જ રહી ગયું. એ સમયે એવું લાગ્યું જાણે ધરતીકંપ થઈ રહ્યો હોય. એક રિક્ષા, બાઇક અને ગાડીઓ નીચે પડી, પણ મારી સાથેના ત્રણ મિત્રો સહિત 5થી 6 લોકોનો બચાવ થયો હતો.
ફોઈને મદદ માગતાં જોઈ હું દોડી ગયો
પાદરા નજીકના ડબકા ગામે મોહંમદપુરા ગામે રહેતો 35 વર્ષનો ધર્મેશ વાસુદેવભાઈ પરમાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ફોઈને સારવાર માટે લઈને સયાજી હોસ્પિટલ લઈ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર બ્રિજ દુર્ઘટનાનો વીડિયો જોયો હતો. જેમાં પાણીમાં ઊભા રહીને મદદ માટે બૂમો પાડતી મહિલા મારાં ફોઈ સોનલબહેન હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી હું તરત ત્યાં દોડી ગયો હતો અને મારાં ફોઈને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યો.
ગંભીરા બાદ માંગરોળમાં પણ બ્રિજ ધરાશાયી
વડોદરા-આણંદ વચ્ચેનો ગંભીરા બ્રિજ 9 જુલાઈએ તૂટી પડતાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક મૃતદેહ હજુ નથી મળ્યો. આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે.
આ ઘટનામાં હિટાચી મશીન સાથે 8થી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા, જો કે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

