આણંદઃ ઉત્તરપ્રદેશ સરકાર, પ્રાદેશિક કો.ઓપરેટિવ ડેરી ફેડરેશન અને એનડીડીબી વચ્ચે લખનઉમાં મહત્ત્વપૂર્ણ એમઓયુ થયા. આ કરાર હેઠળ કનોજ, ગોરખપુર અને કાનપુરના ડેરી પ્લાન્ટ તેમજ આંબેડકરનગરનો કેટલ ફીડ પ્લાન્ટ 10 વર્ષના ભાડાપટ્ટે એનડીડીબીને સોંપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં થયેલા આ કરારથી પશુપાલકોને અનેક ફાયદા થશે. જે અંતર્ગત પશુપાલકોને દૂધની સમયસર ચુકવણી થશે, પશુઓ માટે ઉચ્ચ ગુણવત્તાનો ચારો ઉપલબ્ધ થશે અને દૂધના વેચાણનું યોગ્ય મૂલ્ય મળશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, આ કરારથી રાજ્યના ગ્રામીણ અર્થતંત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે, રોજગારીની તકો વધશે અને મિલ્ક વેલ્યૂ ચેઇન મજબૂત બનશે. તેમણે યુપીમાં બાલી સહિત એનડીડીબીના સહયોગથી રચાયેલાં 8 દૂધ ઉત્પાદક સંગઠનોનો ઉલ્લેખ કર્યો.
એનડીડીબીના ચેરમેન ડો. મિનેશ શાહે જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ શ્વેતક્રાંતિ 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમનું ફોકસ દૂધ ઉત્પાદકોનું સશક્તિકરણ અને સહકારી મંડળીઓને મજબૂત બનાવવા પર છે.

