મહેસાણાઃ વિસનગરના કાંસા ગામની ગણપતિપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ પોતાના 125 પશુપાલકો માટે 8 વીઘા જમીનમાં એનિમલ હોસ્ટેલ વિકસાવી ગુજરાતનું પ્રથમ મોડલ તૈયાર કર્યું છે. આ એનિમલ હોસ્ટેલમાં 125 શેડમાં 500પશુ રહી શકે છે. પશુઓ માટે ઘાસચારો, ઉકરડા, પાણી સહિતની વ્યવસ્થા એક જ સ્થળે કરાઈ છે. જેનો સૌથી મોટો ફાયદો છે કે પશુઓને ગંદકીથી મુક્તિ મળી છે.
પશુઓને રાખવાની વ્યવસ્થા ન હોવાથી અને ખેડૂતો પશુપાલન વ્યવસાયથી દૂર થતા હોવાથી મંડળીએ ગામની સીમમાં પશુપાલકો માટે રૂ. 2.50 કરોડના ખર્ચે 8 વીઘા જમીનમાં એનિમલ હોસ્ટેલ બનાવી છે. પશુઓ બીમાર પડે તો તેમને સારવાર માટે અલગથી બીજદાન કેન્દ્ર પણ બનાવાયું છે, જેમાં વેટરનરી ડોક્ટર પશુઓની સારવાર કરે છે, તેમજ બીજદાન માટે ઘોડીઓ પણ ઊભી કરાઈ છે.
વાડા-ઉકરડા પ્રથા બંધ કરવાનો હેતુ
કાંસા દૂધમંડળીના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે, દરેક પશુપાલકો પાસે જગ્યા ન હોવાથી ધીરેધીરે પશુઓ ઓછાં કરતા હતા અને ઘર આગળ પશુઓ બાંધવાથી ગંદકી પણ ફેલાતી હતી. એનિમલ હોસ્ટેલ બનાવવાનો મુખ્ય આશય વાડા અને ઉકરડા પ્રથા બંધ કરવાનો છે.