શુભાંશુ શુક્લાનું શુભ આગમનઃ અંતરીક્ષમાં 7 પરીક્ષણ કર્યા

Wednesday 16th July 2025 06:58 EDT
 
 

કેલિફોર્નિયાઃ ભારતીય અંતરીક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ભારતીય સમય મુજબ મંગળવારે બપોરે 3 વાગ્યે 18 દિવસની અંતરીક્ષ મુસાફરી કરી સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સ્યૂલ દ્વારા અમેરિકાના કેલિફોર્નિયા કિનારા નજીક પેસિફિક મહાસાગરમાં ઉતર્યા. શુભાંશુ શુક્લાની આ અવકાશ યાત્રા પર ઇસરોએ લગભગ રૂ. 550 કરોડ ખર્ચ કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન કરેલાં તેમનાં 7 પરીક્ષણો અને અવકાશ અનુભવ ભારતના ગગનયાન મિશનમાં મદદ કરશે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તેમના મિશનમાં સંપૂર્ણપણે સફળ રહ્યા છે અને આ અંગે દેશમાં ગર્વ સાથે એક ખાસ ઉત્સાહ જોવા મળ્યો.
પૃથ્વી પર પાછા ફર્યા પછી શુભાંશુની ખુશી
પૃથ્વી પર પાછા ફરતી વખતે શુભાંશુ શુક્લાનો ચહેરો ગર્વિત હતો અને હોઠ પર સ્મિત હતું. કેપ્સ્યૂલથી બહાર આવતાં જ શુભાંશુએ હાથ લહેરાવીને લોકોનું અભિવાદન કર્યું. લગભગ 23 કલાકની મુસાફરી પછી ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે કેલિફોર્નિયાના દરિયામાં તેમનું ઉતરાણ થયું, જેને સ્પ્લેશ ડાઉન કહેવામાં આવે છે.
પેરાશૂટની મદદથી ડ્રેગન અવકાશયાન કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતર્યું. શુભાંશુનું અવકાશયાન ડ્રેગન 28 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવ્યું. આ સમયે તેમના કેપ્સ્યૂલની બાહ્યસપાટી પરનું કવચ 2 હજાર ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી રહ્યું હતું. શુભાંશુએ 1 કરોડ 39 લાખ કિલોમીટરથી વધુ મુસાફરી કરી, જે પોતાનામાં જ ઐતિહાસિક છે.
પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી
ગ્રૂૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું તેમના ઐતિહાસિક અવકાશ મિશનથી પૃથ્વી પર પાછા ફરતાં હું રાષ્ટ્ર સાથે સ્વાગત કરું છું. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે તેમણે તેમના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવના દ્વારા અબજો સપનાંને પ્રેરણા આપી છે. તે આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ‘ગગનયાન’ તરફ વધુ એક સીમાચિન્હરૂપ પગલું છે.
બે ઐતિહાસિક રેકોર્ડ
શુભાંશુ શુક્લાએ આ મિશન પર બે રેકોર્ડ બનાવ્યા. પહેલું તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુસાફરી કરનારા પ્રથમ ભારતીય નાગરિક બન્યા. બીજું રાકેશ શર્મા પછી અવકાશમાં પગ મૂકનારા તેઓ બીજા ભારતીય નાગરિક છે. તેમની યાત્રા 1984માં રાકેશ શર્મા દ્વારા ઉડાન ભર્યાનાં 41 વર્ષ પછી થઈ હતી.
વૈજ્ઞાનિકોનો અભિપ્રાય અને આશા
વિલિયમ સેલ્વમૂર્તિ (ભૂતપૂર્વ ડીજી ડીઆરડીઓ) અને ખગોળશાસ્ત્રી અમિતાભે કહ્યું કે, શુભાંશુ શુક્લાના મિશનનો ભવિષ્યમાં ફાયદો થશે. શુભાંશુને ભારત આવવામાં સમય લાગશે અને દરેક તેમના આગમનની રાહ જોઈ રહ્યા છીએ.
શુભાંશુએ 7 ખાસ પરીક્ષણ કર્યાં
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર શુભાંશુ શુક્લાએ ભારતના ગગનયાન માનવ અવકાશ ઉડાન મિશનને આગળ વધારવામાં મદદ કરવા માટે 7 ખાસ પરીક્ષણ કર્યાં. આમાં સ્નાયુઓના નુકસાનને ડિકોડ કરવા, મગજ-કોમ્પ્યૂટર ઇન્ટરફેસ વિકસાવવા અને અવકાશમાં લીલા ચણા અને મેથીનાં બીજ અંકુરિત કરવાના પ્રયોગોનો સમાવેશ થાય છે.


comments powered by Disqus