બોટાદઃ BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં કાર્યરત્ સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિ દિવ્યેશ પટેલની કારમાં બોચાસણ ખાતે દર્શન કરી સારંગપુર પરત ફરી રહેલા બે સંતો સહિતના 74 યાત્રિકોની કાર સાથે અકસ્માત સર્જાયો. 13 જુલાઈએ ગોધાવટા ગામ પાસે રાત્રે સવા અગિયાર વાગ્યે કોઝ-વે પરથી પસાર થઈ રહી હતી તે સમયે પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી.
ગોધાવટા ગામ પાસે રાત્રે કોઝ-વેની અધવચ્ચે પહોંચી કાર ઊભી રહી ગઈ હતી, જેથી તેમણે ફોન કરી સ્થાનિકોની મદદ માગતાં કેટલાક લોકોએ દોરડું બાંધીને કાર ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ જ વખતે ઉપરવાસમાં વરસાદથી પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને કાર તણાઈ ગઈ અને ગણતરીની સેકન્ડમાં જ કાર તણાઈને રસ્તાની બાજુના ખાડામાં પડી ગઈ હતી.
આ સમયે કારમાં બેઠેલા અપૂર્વપુરુષદાસ સ્વામી અને ડ્રાઇવર દિવ્યેશ પટેલ બારણું ખોલી તાત્કાલિક બહાર આવ્યા, પરંતુ પ્રવાહમાં તેઓ પણ તણાવા લાગ્યા, પરંતુ તેમના હાથમાં દોરડું આવી જતાં તેઓ બહાર નીકળી ગયા હતા. જે બાદ પાછલી સીટમાં બેઠેલા અન્ય બે યુવકો પણ જેમતેમ કરી બહાર નીકળી ગયા હતા. જો કે પાછળની સીટમાં બેઠેલા 80 વર્ષીય શ્રીકૃષ્ણ પંડ્યા, દિવ્યેશભાઈનો 10 વર્ષીય પુત્ર અને નવદીક્ષિત સંત શાંતચરિત સ્વામી બહાર નીકળી શક્યા નહોતા. જે પૈકી શ્રીકૃષ્ણ પંડ્યા અને દિવ્યેશભાઈનો 10 વર્ષીય પુત્ર મૃત અવસ્થામાં મળ્યા હતા, જ્યારે શાંતચરિતદાસ સ્વામીની કોઈ ભાળ મળી શકી નથી.