ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મંગળવારે 15 જુલાઈએ 64મો જન્મદિનની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસની શરૂઆત અડાલજ ત્રિમંદિરમાં દાદા ભગવાન મંદિરમાં પ્રાર્થનાથી કરી. મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં પૂજ્ય દાદા ભગવાન અને નીરુ માતાની સમાધિ પર દર્શન કર્યાં. જે બાદ તેમણે શિવમંદિરમાં આશીર્વાદ મેળવ્યા, દેવતાઓની પૂજા કરી અને જળાભિષેક કર્યો. જન્મદિવસ પર મુખ્યમંત્રીએ લોકોનાં સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને ગુજરાતના વિકાસ માટે પ્રાર્થના કરી. મંદિર પરિસરમાં ભક્તો તરફથી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત અનેક મહાનુભાવોની શુભકામનાનો પ્રવાહ અવિરત વહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જન્મદિવસની શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીના જન્મદિવસે ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરતાં વિવિધ વિસ્તારમાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવણી કરાઈ, ત્યારે અમદાવાદ શહેર ભાજપ દ્વારા શાહીબાગમાં માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને ધારાસભ્યો તેમજ કાર્યકરોની હાજરીમાં દર્દીઓને ભોજન વિતરણ કરાયું હતું. ભોજન વિતરણ બાદ શાહીબાગ 1200 બેડ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

