વેરાવળઃ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીનાં નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો ‘વંદે સોમનાથ’ આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
ગુજરાત પ્રવાસન વિભાગ, સોમનાથ ટ્રસ્ટ અને વડોદરા સ્થિત ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર ચાલુ વર્ષે શ્રાવણ માસના દર સોમવારના દિવસે ‘વંદે સોમનાથ’ કાર્યક્રમ યોજાશે. પ્રસિદ્ધ કલાકારો-નૃત્યકારો ભારતનાટ્યમ્, કથક, મોહિનીઅટ્ટમ, ઓડિશી નૃત્ય જેવી વિવિધ પ્રસ્તુતિ કરશે અને ભગવાન શિવનાં નટરાજ સ્વરૂપની આરાધના કરશે.
શ્રાવણના 6 સોમવારે આ 3 સ્થળે કાર્યક્રમો યોજાશે
આગામી શ્રાવણ માસના દરેક સોમવારે, એટલે કે 14, 21, 28 જુલાઈ તેમજ 4, 11 અને 18 ઓગસ્ટ-2025 એમ કુલ 6 સોમવારે વંદે સોમનાથ કાર્યક્રમ યોજાશે. આમાં ગુજરાતી કેલેન્ડર મુજબ 4 અને ઉત્તર ભારતીય કેલેન્ડર મુજબ 2 સોમવારનો સમાવેશ કરાયો છે. શ્રાવણના 6 સોમવારે સોમનાથ ખાતે સોમનાથ મંદિર ચોપાટી, સોમનાથ મંદિર સામે પ્રોમોનેડ વોક-વે અને સાગરદર્શન ભવનથી સોમનાથ મંદિર તરફ જતા માર્ગ-સ્થળ પર આ 3 સ્થળે કાર્યક્રમો યોજાશે.
ગુજરાત એસટીનું ખાસ ટૂર પેકેજ
ભગવાન સોમનાથનાં દર્શને જવા ભક્તો માટે ગુજરાત એસટી દ્વારા રાણીપ, અમદાવાદથી વિશેષ AC Volvo બસની દૈનિક સુવિધા પણ શરૂ કરાઈ છે. બે દિવસ અને એક રાત્રીરોકાણ સાથેના આ પેકેજ અંતર્ગત રોજ સવારે 6 વાગ્યે રાણીપથી ઊપડતી આ બસ સાંજે 4 વાગ્યે સોમનાથ પહોંચશે.

