વલસાડઃ જિલ્લામાં તમામ હાઇવે પર ખાડાઓની ભરમાર વચ્ચે પારડી હાઇવે પર બાઇકચાલકના મોત બાદ વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટે ત્રીજું આંખ લાલ કરતાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સુરતને નોટિસ આપી સંબંધિત એજન્સી પાસે 10 દિવસમાં સમારકામ કરી રસ્તા અવરજવર યોગ્ય બનાવવા હુકમ કર્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારો શખ્સ ભારતીય ન્યાયસંહિતા 2023ની કલમ 106 અને 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
વલસાડ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ હાઇવે ઓથોરિટી સામે કરેલા હુકમમાં જણાવ્યા મુજબ ચોમાસામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા, અકસ્માતો, ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવો બન્યા છે. હાઇવે રિપેરિંગ માટે હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી થયેલા કોન્ટ્રાક્ટરની જવાબદારી બને છે અને સમયસર રસ્તા રિપેર માટે હાઇવે ઓથોરિટીએ કોન્ટ્રાક્ટર પાસેથી સુનિશ્ચિત કરવાનું હોય છે.
જિલ્લા મેજિસ્ટ્રટના આદેશ છતાં રસ્તાઓમાં કોઈ સુધારો કે સમારકામ જોવા મળેલ નથી અને ટ્રાફિક તથા અકસ્માતના બનાવો અવિરત ચાલુ છે. જેથી વાહનચાલકોને ખૂબ જ હાડમારી થાય છે.

