ગાંધીનગરઃ ગાંધીનગરમાં રહેતા 78 વર્ષના ગાયનેક મહિલા ડોક્ટરને 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને સાઈબર ગઠિયાઓએ રૂ.19.24 કરોડ પડાવ્યા હતા. દેશનું આ સૌથી મોટી રકમનું ડિજિટલ એરેસ્ટ કૌભાંડ છે. આ પૈસામાંથી 1 કરોડ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા યુવકના ખાતામાં ટ્રાન્સફર થતા તેની ધરપકડ કરાઈ હતી. પોલીસ એકેય રૂપિયો પાછો અપાવી શકી નથી.
15 માર્ચે ટેલિકોમ ખાતામાંથી વાત કરતા હોવાનું કહી ડરાવ્યા હતા કે તમારા મોબાઈલ પરથી અપમાજનક મેસેજ પોસ્ટ કરાય છે. આ ઉપરાંત તમારા બેન્ક ખાતામાં ખોટા ટ્રાન્ઝેક્શન થયા હોવાથી મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે માટે તમારી ધરપકડ કરવામાં આવે છે. તેવું લખેલો નકલી પત્ર મોકલ્યો હતો. મહિલા પાસે જેટલા પૈસા, બેંક બેલેન્સ, શેર, ફિકસ ડિપોઝીટ તમામનું વેરિફિકેશન કરવું પડશે. તેવું કહીને મહિલાને 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 19.24 કરોડ પડાવી લીધા હતા. 3 મહિના બાદ છેતરપિંડી થઈ હોવાની જાણ થતા મહિલા ડોક્ટરે સ્ટેટ સાઈબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી હતી. એસપી ધર્મેન્દ્ર શર્માએ તપાસ કરતા સુરતના લાલજી બલદાણિયાના ખાતામાં 1 કરોડ ટ્રાન્ફર થયાનું ખૂલ્યું હતું.
પોલીસનું કહેવું છે કે આ કેસના તમામ આરોપી કમ્બોડિયામાં છે. જ્યારે લાલજી સિવાયના અન્ય 6 આરોપી ગુજરાતના હોવાથી તેમની ધરપકડ થશે. આ તમામ પાસેથી પૈસા ટ્રાન્સફર કરવા કમિશનથી બેન્ક ખાતા લીધા હતા. સાઇબર ફ્રોડની ઘટનાઓમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર છેતરપિંડીમાં ગયેલા પૈસા પાછા લાવવાનો હોય છે. જો કે હંમેશની જેમ મહિલા તબીબ પાસેથી ગઠિયાઓએ પડાવેલા રૂ. 19.24 કરોડ પૈકી પોલીસ એક પણ રૂપિયો પાછો લાવી શકી નથી. માત્ર એક આરોપીને પકડીને સંતોષ માન્યો હતો.

