અમદાવાદઃ ગત અઠવાડિયાના થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં શ્રીકાર મેઘમહેર વરસાવી. કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લામાં ખેતીને અનુરૂપ વરસાદ વરસ્યો, તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે માઝા મૂકી હતી. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 61.32 ટકા વરસાદ થયો છેે.
કચ્છ
કચ્છમાં સૌથી વધુ કચ્છ રિજિયનમાં 64.16 ટકા વરસાદ થયો છે અત્યાર સુધી થયેલા સચરાચર વરસાદથી 70થી 80 ટકા વાવણી પૂર્ણ કરી લેવાઈ છે, જેમાં મગફળી, મગ, જુવાર, ગુવારનું વાવેતર મુખ્ય છે. આગામી શ્રાવણી તહેવારોની ઉજવણીના આગોતરા ઉત્સાહ વચ્ચે સીમાડામાં, ડુંગરો-કોતરોએ પ્રકૃતિની લીલી ચાદર ઓઢી લીધી છે.
સૌરાષ્ટ્ર
રાજ્યભરમાં સૌથી ઓછો 54.90 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે. રાજકોટમાં સિઝનનો 47.20 ટકા વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે વરસાદ એકધારો વરસ્યો ન હોવાથી ખેડૂતો માટે રાહત છે. રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમિયાન સૌથી વધુ જેતપુરમાં 28 ઈંચ અને સૌથી ઓછો પડધરીમાં 12.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે હજુ અડધું ચોમાસું બાકી હોવાથી સરેરાશ સારું ચોમાસું થવાની અને સોળઆની વર્ષ થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાત
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 65 ટકા વરસાદ પડ્યો. રવિવાર બહુચરાજીમાં ધીમીધારે વરસાદથી કપાસ, કઠોળ સહિતના પાકોને ફાયદો થતાં ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો. શહેર વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાતાં લોકોને હાલાકી પડી હતી.
મધ્ય ગુજરાત
અમદાવાદમાં રવિવારે ધોધમાર વરસાદ પડતાં મણિનગર, હાટકેશ્વર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોની સોસાયટીમાં લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં હતાં.
દક્ષિણ ગુજરાત
સુરતમાં ભારે વરસાદથી ખાડીમાં પાણીની ભારે આવક થઈ. માંડવીના મુજલાવ ખાતે વાવ્યા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લોકોએ 15થી 20 કિલોમીટર વધુ ફરવાની નોબત આવી હતી.
રાજ્યનાં 206 જળાશયમાં 63.11 ટકા જળસંગ્રહ
સરદાર સરોવર નર્મદા ડેમ કુલ 62.46 ટકા ભરાયો છે, તથા વરસાદથી કુલ 206 જળાશયમાં 63.11 ટકા જળસંગ્રહ છે. રાજ્યના 49 ડેમ હાઇએલર્ટ, 24 ડેમ એલર્ટ પર મુકાયા છે. રાજ્યના 191 ડેમ વોર્નિંગ લેવલ પર મુકાયા છે.
NDRF-SDRF ટીમો તહેનાત
સ્થિતિને પહોંચી વળવા NDRFની 12 ટીમ અને SDRFની 20 ટીમ તહેનાત કરાઈ છે, તો 13 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વરસાદના કારણે રાજ્યમાં કુલ 102 રોડ-રસ્તા બંધ કરાયા છે, તેમજ છોટાઉદેપુરમાં વરસાદના કારણે નેશનલ હાઈવે બંધ થયો હતો, તથા પંચાયત હસ્તકના કુલ 92 રસ્તા વરસાદના કારણે બંધ થયા હતા.

