વલ્લભ વિદ્યાનગરઃ આણંદમાં આવેલી ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-અમૂલના ચેરમેન અને વાઈસ ચેરમેનની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં અઢી વર્ષની ટર્મ માટે મહેસાણાની દૂધસાગર ડેરીના અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલીયાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ છે. રાજ્યના તમામ 18 ડેરી સંઘો અને સ્ટેટ રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા ઔપચારિક રહી હતી. પરંતુ ફેડરેશન ઉપર પુનઃ ઉત્તર ગુજરાતનું વર્ચસ્વ જોવા મળ્યું છે. જ્યારે વાઈસ ચેરમેન માટે સૌરાષ્ટ્રનું પણ પ્રભુત્વ યથાવત રહ્યું છે. ફેડરેશનના રૂ. 80 હજાર કરોડના વહીવટના સુકાની હવે અશોક ચૌધરી અને ગોરધન ધામેલિયા સંભાળશે. ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેન વલમજી હુંબલનો કાર્યકાળ 23 જુલાઈએ પૂર્ણ થતો હતો.

