અમદાવાદઃ આપ સુપ્રિમો કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતની મુલાકાત લીધી હતી. જો કે ધારાસભ્ય સુધીર વાઘાણી દેખાયા નહોતા. ધારાસભ્યની ગેરહાજરીના પગલે આપમાં વધુ એક વિકેટ પડે તેવી રાજકીય અફવાએ જોર પકડ્યું છે.
વિસાવદરમાં પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગુજરાતમાં મૃતઃપ્રાય આમ આદમી પાર્ટીને સંજીવની મળી છે. આપના પ્રદેશ નેતાઓ હવે પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સાબરકાંઠામાં ભાવફેર મામલે પશુપાલકો સાબર ડેરીના સત્તાધીશો સામે શિંગડાં ભેરવીને બેઠાં છે, ત્યારે આપે મોડાસામાં મહાપંચાયત કરી પશુપાલકો માટે લડત લડવા એલાન કર્યું હતું. આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે, ત્યારે આપે જ્યાં સુધી જેલમાંથી મુક્ત નહીં કરાય ત્યાં સુધી લડત લડવા નક્કી કર્યું છે. આ દરમિયાન કેજરીવાલ અને ભગવંત માન સાથે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવા જ દેખાયા હતા, તો ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી એકેય કાર્યક્રમમાં દેખાયા નહીં. આથી ચર્ચા છે કે, સુધીર વાઘાણી નિષ્ક્રિય થયા છે. આ જોતાં ઉમેશ મકવાણા બાદ સુધીર વાઘાણી પણ આપથી અંતર વધાર્યું હોવાની ચર્ચા છે.

