નવી દિલ્હી: લોકસભામાં ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસ દ્વારા સવાલ ઊભા કરવામાં આવ્યા. જે અંગે પ્રધાનમંત્રી મોદીએ સણસણતા જવાબ આપતાં સદનમાં ગરમાવો આવી ગયો હતો. ઓપરેશન સિંદૂર ટ્રમ્પના કહેવાથી બંધ કરાયું હોવાનો વિપક્ષે આક્ષેપ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દુનિયાના કોઈપણ દેશે ભારતને ઓપરેશન બંધ કરવાનું કહ્યું નથી. 9 મેએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મારી સાથે ફોન પર વાત કરવાનો 3થી 4 વખત પ્રયાસ કર્યો, પરંતુ હું વ્યસ્ત હતો. પછીથી જ્યારે અમે વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે, પાકિસ્તાન મોટો હુમલો કરવા જઈ રહ્યું છે. જેનો જવાબ આપતાં મેં કહ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે. આ પાકિસ્તાન માટે પણ એક સૂચના છે કે પાકિસ્તાન જ્યાં સુધી ભારત વિરુદ્ધ આતંકવાદનો રસ્તો બંધ નહીં કરે ત્યાં સુધી ભારત કાર્યવાહી કરતું રહેશે.
રાહુલ ગાંધીએ આપ્યો હતો પડકાર
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે, જો ટ્રમ્પના કહેવાથી ઓપરેશન સિંદૂર રોકવામાં નથી આવ્યું તો પ્રધાનમંત્રીએ આ વાતને લોકસભામાં ખુલ્લા હૃદયે સ્વીકારવી જોઈએ. જે બાદ પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના કોઈપણ દેશે ભારતને તેની સુરક્ષા માટે કાર્યવાહી કરતા અટકાવ્યું નથી. યુએનના 193 દેશ પૈકી ફક્ત 3 દેશે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. ક્વાડ, બ્રિક્સ, ફ્રાન્સ, રશિયા, જર્મની બધાએ ભારતને ટેકો આપ્યો હતો. દુનિયાએ તેનું સમર્થન કર્યું, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારા દેશના નાયકોની બહાદુરીને કોંગ્રેસનો ટેકો મળ્યો નહીં. કોંગ્રેસ સરકાર દરમિયાન રાજદ્વારી પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે મુંબઈ હુમલા પછી પણ કોંગ્રેસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ અકબંધ છે.
મોદીએ કોંગ્રેસની એક-એક ભૂલ ગણાવી
મંગળવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. સંસદના બંને ગૃહમાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય કોંગ્રેસ નેતાઓએ મોદી સરકારની રાજદ્વારી નીતિને નિષ્ફળ ગણાવી અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા. જેના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ આપણી વિદેશનીતિ અને રાજદ્વારી નીતિ પર સવાલ ઉઠાવી રહી છે, હું તેમની સરકારોની રાજદ્વારી અને વિદેશ નીતિનાં કેટલાંક ઉદાહરણો આપવા માગું છું. કોંગ્રેસ સરકારોએ વારંવાર ભારતની સુરક્ષા સાથે સમાધાન કર્યું છે. કચ્છાતીવુ ટાપુ, પીઓકે, અક્સાઈ ચીન, સિંધુ જળસંધિ અને કરતારપુર સાહિબના નિર્ણયને કોંગ્રેસની સૌથી મોટી ભૂલો છે.
કોંગ્રેસની ભૂલોની વણઝાર
સિંધુ જળસંધિ અંગે નહેરુએ કરેલી ભૂલને પછીની કોંગ્રેસ સરકારોએ પણ સુધારી નહીં. નહેરુ સરકારે કરેલી સમજૂતી મુજબ આપણે આપણા ડેમની સફાઈ કરીને માટી પણ કાઢી શકતા નથી. જે બાદ ઇન્દિરા સરકારે પીઓકેને પરત લેવાનો અવસર પણ છોડી દીધો અને અક્સાઈ ચીનને ઉજ્જડ જમીન ગણાવીને ચીનને સોંપી દીધી 1971ના યુદ્ધ બાદ પાકિસ્તાનના 93 હજાર સૈનિક આપણા કબજામાં હતા અને તેમનો હજારો વર્ગ કિલોમીટર વિસ્તાર આપણા કબજામાં હતો, આપણે સરળતાથી પીઓકે પરત લઈ શકતા હતા, પરંતુ આ અવસર તેઓ ખોઈ બેઠા. પીઓકે બાદ કરતારપુર સાહિબને પણ પરત લઈ શકતા હતા, પરંતુ એવું પણ ન થયું. આ હતી કોંગ્રેસ સરકારની દૂરદૃષ્ટિ અને ડિપ્લોમસી.
આ પહેલી વાર છે
મોદીએ કહ્યું કે, પાકિસ્તાન સાથે ઘણાં યુદ્ધ થયાં, પરંતુ આ પહેલી વાર છે જ્યારે ભારત એવી જગ્યાએ પહોંચી ગયું છે જ્યાં આપણે પહેલા ક્યારેય ગયા નહોતા. પાકિસ્તાનના દરેક ખૂણામાં આતંકી અડ્ડાઓનો નાશ કરાયો છે. બહાવલપુર, મુરીદકેને પણ જમીનદોસ્ત કરાયા છે. ભારતે સાબિત કર્યું છે કે, પરમાણુ બ્લેક મેલિંગ હવે કામ નહીં કરે, ન તો ભારત તેની સામે ઝૂકશે. ભારતે ઓપરેશન સિંદૂરમાં પણ પોતાની ટેકનિકલ ક્ષમતા દર્શાવી. આ દરમિયાન પહેલી વાર દુનિયાએ આત્મનિર્ભર ભારતની શક્તિને ઓળખી. ભારતમાં બનેલા ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાનનાં શસ્ત્રોનો પર્દાફાશ કર્યો. પીએમએ કહ્યું કે, દુનિયાએ જોયું છે કે આપણી કાર્યવાહીનો અવકાશ કેટલો મોટો છે. સિંદૂરથી સિંધુ સુધી પાકિસ્તાન સામે કાર્યવાહી કરાઈ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની આ ઉગ્ર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ પ્રમુખ જયપ્રકાશ નડ્ડા વચ્ચે પણ શાબ્દિક વાકપ્રહાર થયા હતા.

