ભુજઃ ગોરા ડુંગર ફોલ્ટ સક્રિય થતાં ખાસ કરીને કચ્છની રણકાંધીમાં ચિંતા અને ઉચાટ જોવા મળી રહ્યો છે, ત્યારે અચાનક સક્રિય થયેલી ફોલ્ટલાઇન પર ભવિષ્યમાં મોટો ભૂકંપ આવવાની સંભાવનાનો અભ્યાસ કરાશે. 200 વર્ષમાં આ ફોલ્ટલાઇન પર આવેલા આંચકાનું સંશોધન કચ્છ યુનિવર્સિટી દ્વારા કરાઈ રહ્યું છે. ગોરા ડુંગર ફોલ્ટ પર 200 વર્ષથી આવેલા ભૂકંપો અને ભવિષ્યમાં આવનારા ભૂકંપોની શક્યતા પર કચ્છ યુનિવર્સિટીના જિઓ સાયન્સીસના ચિરાગ પરમાર પ્રો. સુભાષ ભંડારીનાં માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી રહ્યા છે.
સંશોધનમાં ગોરા ડુંગર ફોલ્ટ પર થતા ભૂકંપો દ્વારા બનતા નિયોટેક્ટોનિક ફીચર્સ અને રચનાઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવશે. આ ફોલ્ટ પર જૂના ભૂકંપો અને તેમના કારણે થયેલા ભૂગર્ભીય ફેરફારોનો પણ અભ્યાસ કરવામાં આવશે. આ સિવાય ભવિષ્યમાં ગોરા ડુંગર ફોલ્ટ પર ભૂકંપ આવવાની સંભાવનાનો વિષદ અભ્યાસ કરાશે. વર્ષ 1819થી લઈ અત્યાર સુધી 200 વર્ષના ઇતિહાસમાં 4 કે તેના વધુ તીવ્રતાના 61 જેટલા કંપન નોંધાયાં છે.

