સુરતઃ પોલિટિકલ પાર્ટીઓને અપાયેલા ફંડ મામલે આવકવેરાની તપાસમાં મોટા ખુલાસા થયા છે અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં પગારદાર કર્મીઓએ અંદાજે રૂ. 400 કરોડથી વધુના કરલાભ લીધા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુરતમાં જ આ આંકડો રૂ. 124 કરોડથી વધુનો છે. હાલ સમગ્ર રાજ્યમાં એવા 10 હજાર રિટર્ન સ્ક્રૂટિની હેઠળ આવી ગયાં છે, જેમાં ગડબડ થઈ હોવાની શંકા છે.
ફંડ લઈને પોલિટિકલ પાર્ટીઓએ પોતાનું 4થી 5 ટકા કમિશન કાપીને આ રકમ પરત જે-તે કરદાતાને આપી દીધી હોવાની શંકા અધિકારીઓને છે. આ જ વાત સાબિત કરવા માટે હાલ અનેક કરદાતાઓનાં સ્ટેટમેન્ટ પણ લેવાય છે, જેમાં મોટાભાગના લોકોએ કબૂલી લીધું છે કે, તેઓએ 100 ટકા કરલાભ માટે ‘દાન આપીને કાંડ’ કર્યું છે. આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ માટે આવનારા સમયમાં પોલિટિકલ પાર્ટીઓને આઇટી સમન્સની તૈયારી પણ ચાલી રહી છે.
બીજી તરફ પાર્ટી ફંડના મામલે જેમના કેસ સ્ક્રૂટિની હેઠળ ખૂલ્યા છે તેઓને સવાલોનો સામનો કરવો પડી શકે છે. તેઓ નાની પોલિટિકિલ પાર્ટીઓ સુધી કેવી રીતે પહોંચ્યા અને વચેટિયો કોણ હતો, આ જ પાર્ટીને કેમ ફંડ આપ્યું અને પીએમ કેરમાં કેમ ફંડ ન આપ્યું જેવા સવાલ થઈ રહ્યા છે. સી.એ. તિનિશ મોદી અને મિહિર ઠક્કર કહે છે કે, જેટલા સવાલો છે તે પ્રકારના પુરાવા કરાદાતાએ આપવા પડશે અને દાન આપીને જે રસીદો મળી છે અને એકાઉન્ટની જે એન્ટ્રી છે તે ઉપરાંત આરટીજીએસ હોય તો તેના પુરાવા પણ તૈયાર રાખવા પડશે.

