આણંદઃ રાહુલ ગાંધીએ આણંદની મુલાકાત દરમિયાન ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને સંબોધન કરતાં રાહુલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સત્તા માટે નહીં, પરંતુ પ્રજાના પ્રશ્નો માટે મજબૂત લડત આપશે. આણંદના નિજાનંદ રિસોર્ટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનો રાહુલ ગાંધીએ પ્રારંભ કરાવ્યો હતો. આણંદના જિટોડિયા પાસેના બંધન પાર્ટીપ્લોટ ખાતે ગુજરાતના દૂધ ઉત્પાદક સંઘના સભાસદો સાથેની બેઠકમાં દૂધ ઉત્પાદકોને થયેલા અન્યાયના મુદ્દે ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત ગંભીરા પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને પણ રાહુલ ગાંધીએ મળીને આશ્વાસન આપ્યું હતું.
રાહુલે કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને આવનારા સમયમાં ગુજરાતના લોકો માટેના વિઝન અંગે જણાવ્યું કે, સંગઠન સૃજન અભિયાન માટે ગુજરાતની પસંદગી પાછળનો હેતુ ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા અને સંગઠનને મજબૂત બનાવવાનો છે. વિધાનસભાની ચૂંટણી આડે અઢી વર્ષનો સમય બાકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા પ્રમુખોને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતમાં ભાજપના ત્રણ દાયકાના કુશાસન અને તેમના ભ્રષ્ટાચાર તથા ગેરરીતિને ખુલ્લી પાડવા માટે બૂથ લેવલ સુધી કાર્યકરોને સજ્જ બનાવી રસ્તા પર ઉતરી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમણે આહવાન કર્યું હતું. રાહુલે જણાવ્યું કે, હવે પરિવર્તનની શરૂઆત ગુજરાતથી કરાશે અને તેના માટે અત્યારથી લાગી જવાનું છે.

