અમદાવાદઃ 12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન એઆઈ-171ની તપાસમાં બ્લેક બોક્સે નવા પ્રશ્નો ઊભા કર્યા છે. વાસ્તવમાં વિમાનનો પાવર સપ્લાય બંધ થયા પછી અથવા ક્રેશ થયાના 10 મિનિટ સુધીની દરેક વાતચીત, ટેકનિકલ સમસ્યા બ્લેક બોક્સમાં રેકોર્ડ થાય છે, પરંતુ એઆઈ-171ના ક્રેશ લેન્ડિંગમાં આ શક્ય બન્યું નથી. આ ઘટસ્ફોટ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઈબી) દ્વારા દુર્ઘટના પર તૈયાર કરાયેલા પ્રાથમિક રિપોર્ટમાં થયો છે.
રિપોર્ટની તપાસમાં જાણવા મળ્યું છે કે એઆઈ-171નો છેલ્લો મેડે કોલ ભારતીય સમય મુજબ બપોરે 01:39:05 વાગ્યે આવ્યો હતો અને વિમાન બપોરે 01:39:11 વાગ્યે ક્રેશ થયું હતું. બ્લેક બોક્સનું રેકોર્ડિંગ પણ તે જ સમયે બંધ થયું હતું. અહીંથી જ ગડબડની આશંકા સામે આવી રહી છે, કારણ કે ક્રેશ પછી પણ રિપ્સ સિસ્ટમમાં બ્લેક બોક્સનું રેકોર્ડિંગ થવું જોઈતું હતું. રિપ્સ (રેકોર્ડર ઈન્ડિપેન્ડન્ટ પાવર સપ્લાય) એક બેટરી સંચાલિત સિસ્ટમ છે જે એન્જિન ફેલ અથવા પાવર લોસ થતાં બ્લેક બોક્સને સક્રિય રાખે છે. જો તે ફેઈલ થાય તો તપાસકર્તાને છેલ્લી ક્ષણો વિશે કોઈ વિશ્વસનીય માહિતી મળતી નથી.
અમેરિકાનો બોઇંગને બચાવવા પ્રયાસ
અમેરિકાની સરકાર દ્વારા પણ બોઇંગનો બચાવ કરવામાં આવી રહ્યો છે. જે રીતે યુએસ સરકારી એજન્સીએ યાંત્રિક નિષ્ફળતાને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો છે, તે સ્પષ્ટ છે કે તે તપાસને માનવ ભૂલની શક્યતા તરફ લઈ જવા પ્રયાસ કરે છે. મતલબ કે એર ઇન્ડિયાના મૃતક પાઇલટ્સને દોષી ઠેરવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. જ્યાં સુધી AAIB અકસ્માતની વિગતવાર તપાસ ન કરે ત્યાં સુધી આવા એકતરફી દાવા બોઇંગ અને વીમા કંપનીને બચાવવાનો ઇરાદો જ પ્રગટ કરે છે. બીજી તરફ આના પર FAA એ દાવો કર્યો છે કે સ્વિચ લોકિંગ મિકેનિઝમ યોગ્ય હતું અને એવી કોઈ યાંત્રિક ખામી નહોતી, જેના કારણે ઇંધણ બંધ થઈ ગયું હોય. આ અંગે ભારતના AAIB દ્વારા તપાસ ચાલે છે અને અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ તેમાં સહયોગ કરી રહ્યું છે.

