અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા મહેસાણાના બોરીસણાના યુવકની બોગસ પાસપોર્ટ મામલે ધરપકડ કરાઈ છે. આરોપી યુવક ગત 6 જૂન 2007ના રોજ કોલકાતાથી વિદેશ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે, તેમજ રૂ. 40 લાખ આપીને બોગસ પાસપોર્ટ કઢાવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
એરપોર્ટ પર રવિવારે શિકાગોથી એમિરેટ્સની ફ્લાઇટ આવી હતી, જેનું ઇમિગ્રેશન અધિકારીઓ કરી રહ્યા હતા. ત્યારે કનૈયાલાલ ઉકાભાઈ પટેલ નામનો પેસેન્જર ઇમિગ્રેશન માટે આવ્યો હતો. જેમાં તેમની પાસે ઇમર્જન્સી સર્ટિફિકેટ સાથે પાસપોર્ટ પણ હતો. આ પાસપોર્ટમાં અમેરિકા જવા અંગેની કોઈ વિગતો લખેલી ન હોવાથી અધિકારીને તેના પર શંકા ગઈ હતી. અધિકારીઓની પૂછપરછમાં યુવાન કડીને બોરીસણા ગામનો રહેવાસી અને તેણે હૈદરાબાદથી રૂ. 40 લાખ રૂપિયા ખર્ચી કરી કઢાવ્યો હતો.
કનૈયા 6 જૂન 2007એ કોલકાતાથી બેંગકોંગ ગયો હતો. ત્યારબાદ ત્યાંથી તે ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચી ગયો હતો. આવી વિગત બહાર આવ્યા બાદ હીરેનકુમારે એરપોર્ટ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. હાલમાં પોલીસે કનૈયાલાલ પટેલની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ કયા એજન્ટ પાસેથી નકલી પાસપોર્ટ બનાવ્યો છે તેની તપાસ શરૂ કરાઈ છે.

