ભરૂચઃ ભરૂચની વતની અને ભાવનગરની શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતી સાક્ષીબા પ્રદીપસિંહ જાડેજાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. સાક્ષીબાએ 3થી 10 જુલાઈ 2025 દરમિયાન નેપાળમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપના સબજુનિયર વિભાગમાં ડિસ્ક્સ થ્રો સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ ટૂર્નામેન્ટમાં એશિયાના અનેક દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાક્ષીબાએ ભારત વતી પ્રતિનિધિત્વ કરીને પોતાની પ્રતિભા અને મહેનતથી દેશનું ગૌરવ વધાર્યું છે. સાક્ષીબા નંદકુંવરબા વિદ્યાલયના કોચ આસિફખાન પઠાણ પાસેથી શાળામાં જ નિયમિત એથ્લેટિક્સનું કોચિંગ મેળવી રહી છે. કોચ આસિફખાન પઠાણ પોતે નેશનલ લેવલના જિમ્નાસ્ટિક ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેઓ યોગ અને જિમ્નાસ્ટિકના નેશનલ અને ઇન્ટરનેશનલ રેફરી તરીકે પણ ઓળખાય છે.

