ભુજઃ કચ્છ જિલ્લાના ભુજમાં ધોરણ-12ના વિદ્યાર્થી ઇશાન રાજપૂતને તેની સાથે ફરતા પાડોશી મિત્ર રાહુલ સોલંકીએ જ બ્લેકમેઇલ કરી તેના જ ઘરમાંથી રૂ. 32.30 લાખની મતાની ચોરી કરાવી હતી. જેમાં રૂ. 8 લાખ રોકડાની સાથે રૂ. 24.30 લાખના સોનાનાં ઘરેણાં ચોરી કરાવ્યાં હતાં. ચોરી બાદ ઘટનાને છુપાવવાના ઇરાદે ઇશાન અને તેના મિત્રને ગોવા ફરવા મોકલી દીધા હતા.
આરોપી રાહુલ સોલંકી ખનિજના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જ્યારે ટિકિટો બુક કરવા અને દાગીના સાચવવા સહિતની મદદગારી કરનારો રાહુલ મહેશ્વરી ટૂર એન્ડ ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરે છે.
ભુજ એ-ડિવિઝન પોલીસે બંને આરોપીની ધરપકડ કરી રૂ. 16.30 લાખનું સોનું તેમજ રોકડા રૂ. 8 લાખ પૈકી ત્રણ લાખ કબજે કર્યા છે. બંને આરોપીને એક દિવસના રિમાન્ડ પર મેળવી સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. આ અંગે ઇશાનનાં માતા ટ્વિંકલસિંઘ રાજપૂતે તેમની સોસાયટીમાં જ રહેતા રાહુલ સોલંકી અને ટૂર-ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા રાહુલ ઉર્ફે રવિ મહેશ્વરી સામે ફરિયાદ નોંધાવી છે.