અમદાવાદઃ સુરતની કંપનીએ ભારતમાં પહેલીવાર ફોન કોલિંગ ફીચર ધરાવતું ડ્રોન બનાવ્યું છે. જેનાથી ડ્રોનને ફોન કરી શકાય અને ડ્રોનની નજીક ઊભેલા લોકો સાથે સીધી વાતચીત થઈ શકે છે. આ P40 ડ્રોન સાથે હાઇ રિઝોલ્યુશન કેમેરા પણ છે, જે લાઇવ સ્ટ્રીમિંગ પ્રસારિત કરે છે. આ લાઇવ ફીડ કંપનીએ ડેવલપ કરેલા AI સોફ્ટવેર દ્વારા પ્રોસેસ થાય છે.
આ ટેકનિકની મદદથી ડ્રોન જોઈ શકે છે. ખાસ કરીને બેંગલુરુ જેવી વિક્ટરી પરેડની ઘટના પછી પણ આ કામ લાગેશે, ભીડ ભેગી થવાના વિસ્તારો, બિનવારસી સામાન સહિત આતંકી ગતિવિધિ જેવી અનેક ઘટનાઓમાં આ અનોખી ટેક્નોલોજી જાહેર સુરક્ષા માટે ખૂબ મદદરૂપ થશે. આવા વિસ્તારોમાં અધિકારીઓને હવે દૂરથી ડ્રોન મારફતે સંવાદ સાધવાની સુવિધા મળશે. આ ડ્રોન ઇનવેન્કો AIએ બનાવ્યું છે.
કંપનીના કો. ફાઉન્ડર અભિષેક ખંભાતા અને મોહિત કેનિયાએ જણાવ્યું કે, અમારી કંપની 2023થી કાર્યરત્ છે. અમે પહેલીવાર શહેરમાં ડ્રોન-શો પણ કર્યો હતો. હવે અમે ઇનડોર ડ્રોન નેવિગેશન, AI આધારિત વીડિયો એનાલિટિક્સ કરી શકે તેવા વિવિધ પ્રકારના ડ્રોન AI સોફ્ટવેર અને ફ્યુચર રિક્વાયર્મેન્ટને ધ્યાને રાખીને બનાવી રહ્યા છીએ.
આ ડ્રોનનો ઉપયોગ માઇનિંગ બ્લાસ્ટિંગ ઓપરેશનની દેખરેખ માટે કરાઈ રહ્યો છે. ડ્રોનના આઇડિયા વિશે તેઓ કહે છે કે, પહેલાં પોલીસ ટોળાને વિખેરવા લાઉડ સ્પીકર પર નિર્ભર હતી, જેથી અમે સ્પીકર સિસ્ટમ અને ફોન કોલિંગ ફીચર સાથે આ ડ્રોન બનાવ્યું.

