નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ ગુરુવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર ચર્ચા કરી હતી. બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં છે, ત્યારે આ નેતાઓએ આર્થિક ભાગીદારી વધારવા પર ફોકસ કર્યું હતું. આ વાતચીતને પગલે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલની સંભાવના વધી છે તેમ સૂત્રોએ કહ્યું હતું.
પીએમ મોદી અને ટ્રમ્પ બંનેએ ટ્રેડ, મહત્ત્વની ટેક્નોલોજી, એનર્જી, ડિફેન્સ અને સિક્યુરિટી જેવા ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે તેમનાં મંતવ્યોની આપ-લે કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બંને નેતા સમાન પડકારોનો સામનો કરવા અને પરસ્પરના હિત આગળ ધપાવવા વધુ ઘનિષ્ઠ રીતે કામ કરવા માટે સંમત થયા હતા.
મોદી-ટ્રમ્પે આ વાતચીત દરમિયાન ઈન્ડિયા-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં પ્રગતિ અંગે પણ સમીક્ષા કરી હતી. બંનેએ તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારે મક્કમ રીતે અને મજબૂત રીતે આગળ વધી રહ્યા છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. દ્વિપક્ષીય વ્યાપાર વધારવાના સંયુક્ત પ્રયાસમાં મોમેન્ટમ જાળવી રાખવાના મહત્ત્વ પર બંનેએ ભાર મૂક્યો હતો. પીએમ મોદી અને ટ્રમ્પે અન્ય રિજનલ અને વૈશ્વિક ઘટનાક્રમ અંગે પણ ચર્ચા કરી હતી અને સંયુક્ત પડકારો અને સમાન હિતને ધ્યાને લઈને સાથે મળીને કામ કરવા સહમતી દર્શાવી હતી.
ડીલ કરી સહી કરી દેવી જોઈએઃ ગોયલ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે ગુરુવારે કહ્યું હતું કે, જો અમેરિકા ભારતની ટ્રેડ ડીલ ઓફરથી ખુશ હોય તો તેણે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કરી દેવા જોઈએ. ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારતે કરેલી ઓફરને શ્રેષ્ઠ ગણાવતાં ટ્રમ્પ વહીવટી તંત્રના મંતવ્યને ગોયલે આવકાર્યું હતુંું.
અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે કહ્યું હતું કે, ભારત તરફથી અમેરિકાને અત્યાર સુધીની શ્રેષ્ઠ ઓફર મળી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ગોયલે કહ્યું હતું કે ‘તેમની ખુશી ખૂબ જ આવકાર્ય છે. અને મને લાગે છે કે જો તેઓ ખૂબ ખુશ હોય તો તેમણે ડીલ પર સહી કરી દેવી જોઈએ.’

