વાપીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ ઝોનલ ઓફિસે આતંકવાદી ફન્ડિંગની તપાસમાં મોટી કાર્યવાહી કરી હતી. જેમાં આઇએસઆઇએસ સાથે જોડાયેલા અત્યંત કટ્ટરવાદી મોડ્યૂલના સાકિબ નચન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપે 11 ડિસેમ્બરે દેશભરમાં 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમયે દમણને કેન્દ્રમાં રાખીને કાથો ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓ અને સંસ્થાઓમાં તપાસ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઈડીએ દમણમાં કરેલી તપાસમાં ખુલાસો થયો છે કે, પડઘા-બોરીવલીના આઇએસઆઇએસ મોડ્યૂલ સાથે જોડાયેલા લોકો રિઝર્વ ફોરેસ્ટથી ખેર (કાથા)નાં વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરી લાકડાની તસ્કરી કરતા હતા, જે બાદ આ લાકડું દમણ સહિત
અન્ય સ્થળોની કંપનીઓને પૂરું પડાતું હતું.
એટલું જ નહીં આ ગેરકાયદે કમાણીને હવાલા મારફતે આતંકી પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવતી હોવાના પુરાવા મળ્યા છે. આતંકીઓ સાથે સંકળાયેલા આ કેસમાં સાકિબ નચન (હાલ મૃત છે)ને મુખ્ય આરોપી ગણાયો હતો. કેસની તપાસમાં એજન્સીએ પાડેલા દરોડામાં મુંબઈ નજીક પડઘા-બોરીવલી વિસ્તાર, રત્નાગિરિ, દિલ્હી, કોલકાતા, હજારીબાગ, પ્રયાગરાજ
અને દમણ સહિત અનેક જિલ્લાઓ અને રાજ્યોમાં તપાસ કરી હતી.

