ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્તમાન સરકારને શુક્રવારે ત્રણ વર્ષ પૂર્ણ થયાં છે. વિધાનસભાની 2022ની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં ભાજપે વિક્રમી 156 બેઠકો જીતી અને તે પછી હાલ સંખ્યાબળ 162નું થયું છે. તેમની સરકારમાં જ ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ જેવાં રમતોના મહાકુંભસમા આયોજનની યજમાનીનો શ્રેય પણ મળ્યો છે. જો કે અમદાવાદ પ્લેનક્રેશ, દિવાળી બાદ થયેલું રાજ્યવ્યાપી માવઠું અને કૃષિ નુકસાન તેમજ વિપક્ષોના દારૂ-ડ્રગ્સના વધેલા વ્યાપ મુદ્દે પડકાર મુદ્દે તેમની સરકારની કસોટી પણ થઈ છે.
નવી સરકાર બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રના નીતિઆયોગની તર્જ પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન (ગ્રીટ) બનાવી આગામી 10 વર્ષ અને વર્ષ 2047 સુધીમાં ગુજરાતના બહુઆયામી વિકાસ માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. આ સાથે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી સરકારમાં વર્ષોથી ચાલતી જાળારૂપ અવ્યવસ્થા કે રૂઢીઓને દૂર કરવાની પહેલ પણ થઈ છે. ચૂંટણી પહેલાં પણ ભૂપેન્દ્ર પટેલે સવા વર્ષ સુધી સરકારનું સંચાલન કર્યું હતું.
સાથી મંત્રીઓના વિવાદને લીધે મંત્રીમંડળ બદલ્યું
ભૂપેન્દ્ર પટેલ સરકાર પર સીધા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી, પરંતુ અગાઉના મંત્રીમંડળમાં સાથી મંત્રીઓ બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર જેવા મંત્રીઓના પરિવારનાં કૌભાંડો તથા કુબેર ડિંડોર, મૂળુ બેરા, રાઘવજી પટેલ જેવા નિષ્ક્રિય મંત્રીઓના કારણે સરકારની છબિ ખરડાઈ છે. પરિણામે ચાલુ વર્ષે દિવાળી પહેલાં જ મુખ્યમંત્રીને પોતાનું મંત્રીમંડળ બદલવું પડ્યું અને 10 મંત્રીને પડતા મૂકવા પડ્યા.

