મહેસાણાઃ યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણાના બાદલપુરા ગામના કિસ્મતસિંહ અને તેમના પરિવારને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો છે, જ્યાં તેમને બંધક બનાવી મુક્તિ માટે રૂ. 2 કરોડ ખંડણી મગાઈ છે. પીડિત પરિવારે આ કાવતરામાં હર્ષિત કમલેશભાઈ મહેતા નામના શખ્સની સંડોવણીનો આક્ષેપ કર્યો છે.
બંધક બનાવાયેલા કિસ્મતસિંહે તેના કાકાને કોલ પર કહ્યું હતું કે, કાકા જે હોય એ ક્લિયર કરાવો, બે દિવસથી ખાવા નથી આપ્યું અને સ્વેટર કાઢીને બેસાડી રાખ્યો છે. પત્ની દેવાંશી અને દીકરીને અલગ રખાયાં છે.
પોર્ટુગલના બદલે લીબિયા મોકલ્યાં
મહેસાણાના બાદલપુરા ગામના રહેવાસી કિસ્મતસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબહેન અને તેમની 3 વર્ષની બાળકી દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યાં હતાં. જો કે કથિત રીતે એજન્ટોએ તેમને છેતરીને પોર્ટુગલને બદલે લીબિયા મોકલી દીધાં હતાં. લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવાયો છે. અપહરણકારોએ શરૂઆતમાં 54 હજાર ડોલર (રૂ. 45 લાખ)ની માગણી કરાઈ હતી. જો કે આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા હવે રૂ. 2 કરોડની ખંડણી મગાઈ રહી છે.
29 નવેમ્બરે નીકળ્યાં હતાં
કિસ્મતસિંહના કુટુંબી કાકા દશરથસિંહે જણાવ્યું કે, મહેસાણાના બાદલપુરા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં રૂ. 35 હજારની નોકરી કરતા કિસ્મતસિંહ ચાવડા, હીનાબહેન અને તેમની દીકરી 29 નવેમ્બરે સાંજે દુબઈ જવા નીકળ્યાં હતાં.

