નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસીય વિદેશ પ્રવાસનો પ્રારંભ જોર્ડનના કિંગ સાથે મુલાકાતથી થયો છે. ત્રણ દિવસના આ પ્રવાસમાં વડાપ્રધાન મોદી જોર્ડન અને ઇથિયોપિયા બાદ ઓમાન પહોંચશે. આ ત્રણેય દેશ સાથેના સાંસ્કૃતિક સંબંધોને યાદ કરવાની સાથે દ્વિપક્ષી કરારોમાં પણ નોંધપાત્ર સફળતા મળવાની અપેક્ષા છે.
વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે જોર્ડનના રાજા કિંગ અબ્દુલ્લા બીજા ઈબ્ન અલ હુસૈન સાથે મુલાકાત કરી હતી અને સમાન મહત્ત્વ ધરાવતા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના દૃષ્ટિકોણની આપ-લે સાથે દ્વિપક્ષી સંબંધો બહેતર બનાવવા વિચારણા કરી હતી.
ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બે દિવસ જોર્ડનમાં રોકાયા હતા. પયગંબર મુહમ્મદના 41મા વંશજ મનાતા કિંગ અબ્દુલ્લાએ હુસૈનિયા મહેલમાં વડાપ્રધાનનું લાગણીભર્યું સ્વાગત કર્યું હતું. બંને દેશના પ્રતિનિધિમંડળ વચ્ચે વન-ટુ-વન મીટિંગ યોજાઈ હતી.
જોર્ડન-ભારતના સંબંધોમાં વધુ નિકટતા અને ગહનતા આવવાની અપેક્ષા વ્યક્ત કરતાં મોદીએ કહ્યું કે, ટ્રેડ, ફર્ટિલાઇઝર, ડિજિટલ ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પીપલ-ટુ-પીપલ જોડાણમાં સહકાર યથાવત્ રહેશે. આતંકવાદ બાબતે બંને દેશનો અભિગમ સ્પષ્ટ છે. વડાપ્રધાન મોદીને એરપોર્ટ પર આવકારવા જોર્ડનના વડાપ્રધાન જાફર હસન ગયા હતા. બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે અર્થતંત્ર, રોકાણ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં સહકાર બાબતે ચર્ચા થઈ હતી.
જોર્ડનમાં ફરી દેખાઈ કાર ડિપ્લોમસી
પ્રધાનમંત્રી મોદીની રશિયા બાદ જોર્ડનમાં પણ કાર ડિપ્લોમસી જોવા મળી. આ સમયે જોર્ડનના ક્રાઉન પ્રિન્સ હુસેન બિન અબ્દુલ્લાએ પોતે કાર ચલાવી અને પીએમ મોદી તેમની પાસેની સીટ પર બેઠેલા જોવા મળ્યા. જોર્ડનના ક્રાઉન પ્રિન્સ એટલે કે યુવરાજ અલ હુસૈન અબ્દુલ્લા. યુવરાજનુ આવું કરવુ મોદી પ્રતિ તેમનુ માન સમ્માન દર્શાવે છે. યુવરાજ અલ હુસૈન બિન અબ્દુલ્લા પૈગબંર મહોમ્મદની 42મી પેઢીના વંશજ છે.
ઇથિયોપિયા દ્વારા વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન
વડાપ્રધાન મોદીને ફરી વિદેશી ધરતી પર સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે. અદીસ આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રમાં આયોજિત સમારોહમાં ઇથિયોપિયાના વડાપ્રધાન ડો. અબી અહમદ દ્વારા મોદીને ‘ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયા’ સન્માન આપ્યું. આ પ્રસંગે અહમદે કહ્યું કે, ભારત-ઇથિયોપિયા સંબંધ મજબૂત કરવામાં અસાધારણ યોગદાન અને વૈશ્વિક રાજનેતાના રૂપમાં તેમના દૂરંદેશી નેતૃત્વની કુનેહને જોતાં વડાપ્રધાન મોદીને આ સન્માન અપાયું છે.

