રાજકોટઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને ભાજપનાં ધારાસભ્ય-મંત્રી રિવાબા જાડેજાએ થોડા દિવસો પહેલાં એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી બોલતી વખતે પતિ રવીન્દ્રની પ્રામાણિકતા અને શિસ્તનાં વખાણ કર્યાં. જો કે તેમણે ભારતીય ટીમના અન્ય ક્રિકેટરોને વ્યસની ગણાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ સર્જાયો છે.
એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી બોલતાં જામનગરનાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ કહ્યું કે, ‘રવીન્દ્રને લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા એવા બધા દેશોમાં જવાનું થતું હોય, પરંતુ આજદિન સુધી તેમણે વ્યસનને ટચ નથી કર્યું. તેમને કોઈપણ જાતનું વ્યસન નથી. ટીમમાં બાકી બધા વ્યસન કરે છે. રવીન્દ્રને કોઈ રોકટોક નથી, ફ્રીડમ છે. ધારે તો બધું કરી શકે, પણ નૈતિક જવાબદારી તરીકે મારે શું કરવું છે એની સમજદારી જોઈએ.’ રિવાબાની આ ટિપ્પણી અંગે હજુ ટીમ ઇન્ડિયા કે ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

