વડોદરામાં ‘સાડી ગૌરવ રન’: 4 હજારથી વધુ મહિલાઓએ આકર્ષણ જમાવ્યું

Wednesday 17th December 2025 03:45 EST
 
 

વડોદરાઃ ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે 14 ડિસેમ્બરે રવિવારે વડોદરાના કીર્તિસ્તંભ ખાતેથી ‘સાડી ગૌરવ રન’ મેરેથોનનું આયોજન કરાયું હતું, જેમાં વડોદરા શહેરની 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં બહેનોએ વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને દોડ લગાવી હતી. આ રનમાં જોડાયેલી તમામ મહિલાઓએ પોતાની ફિટનેસ માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
દિવ્યાંગ-વડીલ મહિલાઓએ ભાગ લીધો
આ સાડી ગૌરવ રન થકી ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેશનો સંદેશો વિશ્વ સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. આ રનમાં 16 વર્ષની કિશોરીઓથી લઈ સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોવા મળી હતી. 3 કિલોમીટરની આ રનનો પ્રારંભ કીર્તિસ્તંભથી થયો હતો અને સમાપન પણ કીર્તિસ્તંભ ખાતે જ થયું હતું. આ રન પ્રસંગે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા શહેર એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મહિલાઓને સન્માનિત કરાઈ
આજની આ દોડમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મહિલાઓ જોડાઈ હતી. જેમાં અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ રનમાં ભાગ લેનારી મહિલાઓને મેડલ અને ગિફ્ટ પણ અપાયાં હતાં.


comments powered by Disqus