સુરતઃ ડાયમંડ સિટી સુરતની શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી. તેમની આ મુલાકાત દરમિયાન સુરત કરોડો રૂપિયાનાં વિકાસકામોની ભેટનું સાક્ષી બન્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજે રૂ. 600 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં.
મુખ્યમંત્રીએ APMC ખાતે ગુજરાતની પ્રથમ અને એશિયાના મોટા પ્રોજેક્ટ્સમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું લોકાર્પણ કર્યું, જેમાં 100 ફૂટ પહોળો રેમ્પ ટ્રકને સીધી પહેલા માળે લઈ જશે, જે ખેડૂતો-વેપારીઓ માટે માલસામાનનું પરિવહન ઝડપી બનાવશે. અંતે તેઓ ‘ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલ’ની બેઠકમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમણે સુરતને ‘મિની ઇન્ડિયા’ ગણાવી શહેરી વિકાસમાં જનભાગીદારીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

