આણંદઃ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં કુલ 12 બ્લોક પૈકી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા, જ્યારે બાકીના 8 બ્લોક તેમજ વ્યક્તિગત સભાસદની 1 બેઠક માટે 10 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 97.48 ટકા મતદાન નોંધાયું હતું.
અમૂલ ડેરીના સરદાર પટેલ સભાગૃહ ખાતે શુક્રવારે યોજાયેલી મતગણતરીમાં ભાજપે 9 પૈકી 7 બેઠક પર વિજય મેળવ્યો છે. આમ કુલ 13 પૈકી 11 બ્લોકમાં વિજય સાથે ભાજપે અમૂલમાં કબજો જમાવ્યો છે. આ પરિણામથી અમૂલ ડેરીના નિયામક મંડળમાં ભાજપનું પ્રભુત્વ સ્થાપિત થયું છે. પરિણામની જાહેરાત બાદ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યું. માત્ર બોરસદ અને કપડવંજ બ્લોકમાં જ કોંગ્રેસના ઉમેદવારો જીતી શક્યા છે.
ભાજપ પર આક્ષેપો મૂકનારા કેસરીસિંહ હાર્યા
અમૂલ ડેરીમાં ભાજપના સત્તાધીશોએ જમીન ખરીદીમાં તેમજ કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ આચરી હોવાના આક્ષેપો માતર બ્લોકના અપક્ષ ઉમેદવાર કેસરીસિંહ સોલંકીએ કર્યા હતા. કેસરીસિંહ સોલંકીએ આ ચૂંટણી જીતવા માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ કેસરીસિંહ સોલંકી આ ચૂંટણી હારી ગયા છે. તેમને માત્ર 18 મત જ મળ્યા છે.
બોરસદમાં કોંગ્રેસનો દબદબો યથાવત્
અમૂલ ડેરીના બોરસદ બ્લોકમાં છેલ્લાં ઘણાં વર્ષોથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર જીતતા આવ્યા છે. તેઓએ આ વર્ષે પણ પોતાના દમ પર ચૂંટણી જીતી બોરસદ બ્લોકમાં કોંગ્રેસનો દબદબો જાળવી રાખ્યો છે.