અમદાવાદઃ નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના મોટા આયોજકોએ ગતવર્ષની સરખામણીએ વધુ મોટો ઇવેન્ટ ઇન્શ્યોરન્સ લીધો છે. મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતા હોય એવા સમયે જાનહાનિ કે નુકસાનને ધ્યાનમાં રાખીને કેટલાક આયોજકોએ અગાઉથી જ તકેદારીના ભાગરૂપે વિવિધ ઇન્શ્યોરન્સ એજન્સી પાસેથી ઇવેન્ટ ઇન્શ્યોરન્સ લીધા છે. ગુજરાતનું ગરબા હબ ગણાતા વડોદરામાં જ આયોજકોએ અંદાજિત રૂ. 30 કરોડનો વીમો લીધો છે. અમદાવાદમાં 50થી વધુ જગ્યાએ મોટા ગરબાનું આયોજન થતું હોવાથી કલાકારો, ખેલૈયાઓ અને ગરબાના આયોજન સાથે સંકળાયેલી એજન્સીમાં કામ કરતા લોકોને કવર કરીને ઇન્શ્યોરન્સ લેવાઈ રહ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારના ઇન્શ્યોરન્સને ઇવેન્ટ કવરેજ કે ક્રાઉડ કવરેજ કહેવામાં આવે છે.
વડોદરાના 6 જાણીતા આયોજકોએ અંદાજિત રૂ. 30.18 કરોડનું વીમાકવચ લઈ ઇવેન્ટને આર્થિક ભારણથી સુરક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં અંદાજિત 3 લાખ લોકોની જીવન સુરક્ષાને સમાવિષ્ટ કરાઈ છે. ગત વર્ષ કરતાં ગુજરાતમાં ઇન્શ્યોરન્સ લેવાની પ્રણાલીમાં 40 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં 50 જેટલાં સ્થળોએ અંદાજિત રૂ. 40 કરોડનો ઇન્શ્યોરન્સ કવરેજ લેવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરત કરતાં પણ વડોદરાના ગરબાનું મહત્ત્વ એટલા માટે વધુ છે, કારણ કે યુનેસ્કો દ્વારા તેને ઇન્ટેન્જિબલ હેરિટેજનું સન્માન મળ્યું છે. જેના કારણે મુંબઈ અને ગુજરાતના અન્ય વિસ્તારોથી લોકો વડોદરાના ગરબા માણવા આવે છે.
ગુજરાતનું બીજા ક્રમનું ગરબા કેપિટલ અને વધુ સંખ્યાબળ ધરાવતા અમદાવાદમાં 50 લાખ લોકો વિવિધ 50થી વધુ જગ્યાએ ગરબામાં ભાગ લેશે. જેનું અંદાજિત ઇવેન્ટ ઇન્શ્યોરન્સ કવરેજ રૂ. 40થી 60 કરોડનું છે. જ્યારે સુરતમાં અંદાજિત રૂ. 30 કરોડના ઇવેન્ટ ઇન્શ્યોરન્સ દ્વારા ગરબા ઇવેન્ટને આર્થિક સુરક્ષા અપાઈ રહી છે.