અમરેલીઃ ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહના મૃત્યુના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ-2023થી જુલાઈ-2024 સુધીના એક વર્ષમાં 141 સિંહનાં વિવિધ કારણથી મૃત્યુ થયાં હતાં. તો ઓગસ્ટ-2024થી જુલાઈ-2025 સુધીના એક વર્ષમાં મૃત્યુનો આંકડો વધીને 166 થયો હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે. માર્ગ અકસ્માત, રેલ અકસ્માત, કૂવામાં પડી જવું અને વીજકરંટ સહિતનાં કારણથી અપ્રાકૃતિક થતાં મૃત્યુ વન્ય જીવપ્રેમીઓમાં ચિંતાનું કારણ બન્યાં છે.
રાજ્યમાં જુલાઈ-2025 સુધી છેલ્લાં બે વર્ષમાં કુલ 307 સિંહનાં મૃત્યુ થયાં છે. તેમાં 39 સિંહના અપ્રાકૃતિક અને 268 સિંહનાં પ્રાકૃતિક મૃત્યુ થયાં છે. વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક સવાલના લેખિત જવાબમાં અપાયેલી માહિતી મુજબ સિંહોના અપ્રાકૃતિક રીતે થતાં મૃત્યુ રોકવા બે વર્ષમાં રૂ. 37.35 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. જેમાં વર્ષ 2023-24માં રૂ. 20.35 કરોડ અને 2024-25માં રૂ. 17 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાનું જણાવાયું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા છ મહિનામાં જ 14 સિંહબાળ અને 17 સિંહનાં મૃત્યુ થયાં છે. તેમાં તમામ સિંહબાળનાં મૃત્યુ મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરથી લઈ વિવિધ બીમારીના કારણે થયાં છે. તો 3 સિંહનાં મૃત્યુ કુદરતી રીતે થયાં છે.