ઘેડ વિસ્તારની પૂરની સમસ્યાનો અંત આવશે

Wednesday 17th September 2025 06:11 EDT
 
 

માણાવદરઃ પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે મહત્ત્વનું પગલું લીધું છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોરબંદર ખાતે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે સંપૂર્ણ ઘેડ વિસ્તારનો સરવે કરાવ્યા બાદ ત્રણ તબક્કામાં રૂ. 1500 કરોડનાં કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રથમ તબક્કામાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 139 કરોડની યોજના મંજૂર કરાઈ છે.
આ યોજના અંતર્ગત હયાત નદી અને કેનાલનું ડિસિલ્ટિંગ કરાશે. પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી-ઝાંખરા અને વૃક્ષોનું કટિંગ કરાશે, જે અંતર્ગત કુલ 7 કામોને વર્ક ઓર્ડર અપાયા છે, જેમાં જૂનાગઢ સોરઠી ઘેડ વિસ્તારનાં ત્રણ, પોરબંદર સોરઠી ઘેડ વિસ્તારનાં બે અને બરડા ઘેડ વિસ્તારનાં બે કામનો સમાવેશ થાય છે.
હાલમાં આ 7 કામો પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂ. 36.67 કરોડની ચુકવણી કરાઈ છે. પ્રથમ તબક્કાનાં બાકીનાં 10 કામોના ટેન્ડર મંજૂર થયાં છે અને વર્ક ઓર્ડર અપાયા છે. આ કામગીરી નજીકના સમયમાં શરૂ થશે. મંત્રીએ ઘેડ વિસ્તારનાં કામોમાં ગેરરીતિના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.


comments powered by Disqus