નવરાત્રીમાં અમદાવાદ-ગાંધીનગરમાં અંદાજે રૂ. 2,500 કરોડનો ધંધો

Wednesday 17th September 2025 06:11 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતની ધરતી પર નવરાત્રી માત્ર ધાર્મિક તહેવાર જ નહીં પણ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક મહોત્સવ છે. દરવર્ષે શરદ ઋતુમાં ઊજવાતી ગુજરાતની નવરાત્રી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ વર્ષે 22 સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં આ તહેવારને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 9 દિવસ ચાલનારું આ પરંપરાગત લોકનૃત્ય દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં તો ગરબાપ્રેમીઓ એક મહિના અગાઉથી જ તૈયારી શરૂ કરી દે છે, જેના કારણે તહેવારમાં અનેક ઉદ્યોગોને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે મોટો ફાયદો થાય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં જ આ દરમિયાન અંદાજે રૂ. 2500 કરોડનો બિઝનેસ થશે.
હાલ ભલે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોય, પરંતુ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાત્રે ગરબાની રમઝટ બોલાઈ રહી છે. પાર્ટીપ્લોટ, બોક્સ ક્રિકેટના ગ્રાઉન્ડમાં અને મોટા કોમ્પ્લેક્સમાં ખેલૈયાઓ અત્યારથી જ ગરબાના વિવિધ સ્ટેપ શીખી રહ્યા છે. શહેરમાં દરેક સોસાયટી, ફ્લેટમાં નવરાત્રીના આયોજનને લઈને ઘરદીઠ નાણાં એકઠાં કરવાનાં શરૂ કરી દેવાયાં છે. બીજી બાજુ નવરાત્રી-દશેરામાં કાર અને ટુ-વ્હીલર ખરીદવા અત્યારથી જ વિવિધ ડીલરને ઓર્ડર અપાઈ રહ્યા છે.
પહેલા નોરતાથી જીએસટી ઘટતાં વાહનોના ભાવમાં કેટલો ઘટાડો થશે તેની પૂછપરછ થઈ રહી છે અને તે ભાવના આધારે બુકિંગ અંગેના નિર્ણયો લેવાઈ રહ્યા છે. અમદાવાદ શહેરના વિવિધ બ્રિજને રોશનીથી શણગારાઈ રહ્યા છે.
અમદાવાદમાં લો-ગાર્ડન, રાણીનો હજીરો, માણેકચોક સહિતના બજારમાં અત્યારથી જ ચણિયા-ચોળી, દુપટ્ટા, ઓઢણી, કાઠિયાવાડી જવેલરીની ખરીદી શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન ફેશન સ્ટોર પણ ધૂમ ઓર્ડર મેળવી રહ્યા છે.


comments powered by Disqus