જૂનાગઢઃ જૂનાગઢમાં કોંગ્રેસને ફરી મજબૂત કરવા હાઇકમાન્ડે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે અહીંની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું. આ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટથી જૂનાગઢના પ્રેરણાધામ આશ્રમ પહોંચ્યા હતા, આ સમયે કાળવા ચોકમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જ્યાં પાકિસ્તાની ક્રિકેટર માટે બનેલું આલબમ સોંગ ‘જીત કી લગન’ વગાડવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીએ શિબિરમાં ઉપસ્થિત 41 શહેર-જિલ્લા પ્રમુખોને લગભગ સાડા ત્રણ કલાક સુધી માર્ગદર્શન આપ્યું હતું. કોંગ્રેસના નેતા પાલ આંબલિયાના જણાવ્યા અનુસાર, રાહુલે ‘વસુધૈવ કુટુંબકમ્’ અને માનવતા વિશે વાત કરી હતી. તેમણે ઝાડનું ઉદાહરણ આપીને કહ્યું કે, જે રીતે ઝાડ મોટું થયા પછી પણ નમેલું રહે છે, એ જ રીતે નેતાઓએ પણ નમ્ર રહેવું જોઈએ. તેમણે વિશ્વશાંતિ, ભાઈચારો અંગે પ્રશ્નો પૂછયા અને જણાવ્યું કે, તેઓ આ પ્રશ્નોના જવાબ લેવા માટે 18 સપ્ટેમ્બરે ફરી જૂનાગઢ આવશે. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક પરિવર્તનના સંકેત છે. એવી અટકળો ચાલી રહી છે કે, અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દૂધાતને પાર્ટીથી દૂર કરાઈ શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષે 9 જિલ્લા પ્રમુખોને નિષ્ક્રિય ગણાવી ‘સડેલી કેરી’ કહ્યા છે, જેનાથી પ્રદેશના નેતાઓમાં ચિંતાનું વાતાવરણ છે.
પ્રતાપ દૂધાતને હટાવવાની ચર્ચા
રાહુલ ગાંધીએ નેતાઓને સંગઠિત થઈને કામ કરવાની સલાહ આપી. બીજી તરફ આ શિબિરમાં અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પાટીદાર નેતા પ્રતાપ દૂધાતની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે. તેમની ગેરહાજરી બાદ તેમને પક્ષથી દૂર કરવા અંગે રાષ્ટ્રીય મહાસચિવે નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બેઠકમાં હાજર 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9ના પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી.