નાગપુરઃ આરએસએસના વડા ડો. મોહન ભાગવતે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં દેવભક્તિ અને દેશભક્તિને અલગ કરી શકાતી નથી. સાચો ભક્ત એ છે જે રાષ્ટ્રની સેવા કરે છે અને ભક્તિભાવથી દેશ માટે કામ કરે. તેના જીવનમાં ભગવાનની પૂજા આપમેળે દેખાય છે. ભાગવત નાગપુરના માનકાપુર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આર્ટ ઓફ લીવિંગ દ્વારા આયોજિત સોમનાથ જ્યોતિર્લિંગ મહારુદ્ર પૂજામાં ભક્તોને સંબોધી રહ્યા હતા. આ પ્રસંગે આર્ટ ઓફ લીવિંગના સ્થાપક શ્રીશ્રી રવિશંકર પણ હાજર હતા. ભાગવત ગુરુવારે 75 વર્ષના થયા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્ર સરકારના ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી.