ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગરના પ્રવાસે આવવાના છે, ત્યારે ભાવનગર-અલંગ સહિત સમગ્ર દેશનાં મહત્ત્વનાં બંદરોના શિપિંગ-મેરિટાઇમ સહિતના વિવિધ પ્રકલ્પના રૂ. 1.50 લાખ કરોડના એમઓયુ ઘોષિત કરવાના છે. ભાવનગરના હવાઈમથકે આવી પહોંચ્યા બાદ નિયત રૂટ પરના રોડ-શો બાદ વડાપ્રધાન મોદી 10:30 વાગ્યે જવાહર મેદાનમાં આવી પહોંચશે.
મોદી દોઢ કલાકના ભાવનગરના કાર્યક્રમ દરમિયાન સાગરમાલા 2.0ના રૂ. 75,000 કરોડના, શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ આસિસ્ટન્ટના રૂ. 24,736 કરોડ, મેરિટાઇમ ડેવલપમેન્ટ ફંડના રૂ. 25,000 કરોડ, શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમના રૂ. 19,989 કરોડ, પટના, વારાણસી અને કોલકાતામાં વોટર મેટ્રોના વિકાસ માટે રૂ. 2,700 કરોડના પ્રકલ્પોની ઘોષણા કરવાના છે. ઉપરાંત 150 મિલિયન ટન પ્રતિવર્ષની ક્ષમતાવાળા નવા બહુદા પોર્ટની ઘોષણા, 35,000 એકર સોલ્ટની જમીન પર મેરિટાઇમ ઔદ્યોગિકરણ માટેના વિકાસકામોની ઘોષણા કરશે.
અહીં સીએસએલ દ્વારા બ્લોક ફેબ્રિકેશન ટેક્નોલોજી પર બનાવાયેલા મોડ્યુલર શિપ બિલ્ડિંગનું મોડેલ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેઓના ભવિષ્યના વ્યવસાયની રણનીતિ મુજબ હસ્તગત કરવામાં આવેલાં નવાં જહાજોના મોડેલ, કંડલા બંદરના 6 કિ.મી. દરિયાકાંઠે રેખાંકિત નવા પોર્ટ ટર્મિનલના ડેવલપમેન્ટ પ્લાનનું મોડેલ, અલંગના વિકાસ પ્લાનનું મોડેલ, પોર્ટ આધારિત શહેરી વિકાસના મોડેલનું નિરીક્ષણ કરશે. વારાણસીમાં શિપ રિપેર ફેસિલિટી માટે રૂ. 300 કરોડ, વારાણસીમાં ફ્રેટ વિલેજ બનાવવા માટે રૂ. 200 કરોડ, મુંબઈ પોર્ટ ઓથોરિટીમાં ઈન્દિરા ડોક ખાતે ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ બનાવવા રૂ. 303 કરોડનાં કામોની ઘોષણા કરશે.